VADODARA : પતંગના દોરાથી બચાવતા 7 હજાર સેફ્ટી સ્કાર્ફના વિતરણનો MP ના હસ્તે પ્રારંભ
VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પર્વ પહેલા વડોદરા શહેર-જિલ્લામાં પતંગના દોરા વડે ગંભીર ઘાયલ થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે હવે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ બરોડા યુથ ફેડરેશન (BARODA YOUTH FEDARATION - VADODARA) સાથે મળીને 7 હજાર સેફ્ટી સ્કાર્ફ (SAFETY SCARF) ના વિતરણ કાર્યનો પ્રારંભ કર્યો છે. વિવિધ સ્થળોએ સંસ્થાના વોલંટીયર્સ દ્વારા વિવિધ ચાર રસ્તા તથા સર્કલો પર જઇને ટુ વ્હીલર ચાલકોને નિશુલ્ક સેફ્ટી માસ્કનું વિતરણ કરવામાં આવશે.
અત્યાર સુધી 20 હજાર જેટલા સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કરી ચુક્યા
બરોડા યુથ ફેડરેશનની કામગીરી અંગે ફાઉન્ડર રૂકમિલ શાહે જણાવ્યું કે, અમે વિતેલા પાંચ વર્ષથી દર ઉત્તરાયણ પહેલા પતંગના દોરાથી લોકોને સુરક્ષા મળે તે માટે સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કરતા આવ્યા છીએ. આ સેફ્ટી સ્કાર્ફનું નિશુલ્ક વિતરણ કરવા પાછળનો ઉદ્દેશ્ય પગંતના દોરાથી લોકોનો જીવ બચાવવાનો છે. અત્યાર સુધી અમે આશરે 20 હજાર જેટલા સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કરી ચુક્યા છીએ. આ વર્ષે અમે 7 હજાર સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કરવા જઇ રહ્યા છીએ. જે શહેરમાં અત્યાર સુધીમાં સૌથી મોટી સંખ્યામાં હોવાનું અમારી ટીમનું અનુમાન છે.
વડોદરામાં બે ફેટલ અને પાંચ ઇજાગ્રસ્ત થયાના કુલ 7 જેટલા કિસ્સાઓ થઇ ગયા
સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયાને જણાવ્યું કે, આજે બરોડા યુથ ફેડરેશન દ્વારા રૂકમિલ ભાઇ અને તેમની ટીમ દ્વારા સતત સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણ પહેલા જ વડોદરામાં બે ફેટલ અને પાંચ ઇજાગ્રસ્ત થયાના કુલ 7 જેટલા કિસ્સાઓ થઇ ગયા છે. જેમાં પતંગની દોરી થકી લોકોને ઇજાઓ પહોંચી હતી. આવી ઘટનાઓ સામે સુરક્ષા માટે એક સેફ્ટી સ્કાર્ફનું વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રૂકમિલભાઇ શાહ અને તેમની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યા આ પ્રકારના કિસ્સાઓ ખુબ થાય છે, ત્યા સેફ્ટી સ્કાર્ફ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સંગમ ચાર રસ્તા પાસે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. હું રૂકમિલભાઇ અને તેમની ટીમના કાર્યને બિરદાવું છું. આ ભગીરથ કાર્યમાં મને પણ ભાગ લેવાનો મોકો આપવા બદલ તેમનો આભાર
આ પણ વાંચો -- VADODARA : પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદને જોડતા બે બસ રૂટનો પ્રારંભ