VADODARA : ભવન્સ સ્કુલમાં ઝનુની વિદ્યાર્થીએ ગળું દબાવ્યું
VADODARA : વડોદરા (VADODARA) ના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ સ્કુલ (Bharatiya Vidya Bhavans School - Vadodara) માં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ધો . 7 માં ભણતા ઝનુની વિદ્યાર્થી દ્વારા ધો - 6 માં ભણતા વિદ્યાર્થીનું ગળું દબાવ્યું હતું. આ મામલે વિદ્યાર્થીએ ઘરે વાલીને કહેતા તેમણે ફરિયાદ કરી હતી. જે બાદ શાળા દ્વારા આ મામલાની તપાસ માટે કમિટી બેસાડવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે.
ઝઘડો કરીને તેનું ગળું દબાવી દીધું
વડોદરાના મકરપુરામાં આવેલી ભવન્સ શાળામાં ચકચારી ઘટના સામે આવી છે. તાજેતરમાં પીટીના પીરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ મેદાનમાં રમી રહ્યા હતા. દરમિયાન ધો - 7 ના એક વિદ્યાર્થીએ ઝનુનમાં આવીને ધો - 6 ના વિદ્યાર્થીનું ગળું દબાવી દેવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાક્રમ અંગે વાલીએ મીડિયાને જણાવ્યું કે, મારો પુત્ર ગ્રાઉન્ડમાં રમી રહ્યો હતો. તેવામાં ધો - 7 માં ભણતા વિદ્યાર્થીએ તેની જોડે ઝઘડો કરીને તેનું ગળું દબાવી દીધું હતું. આ સમયે તેની આસપાસમાં ચાર જેટલા વિદ્યાર્થીઓ હતા. તેમણે આ ઘટના જોતા જ તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને મારા પુત્રને છોડાવ્યો હતો. ત્યાર બાદ મારા પુત્ર આ અંગેની ફરિયાદ કરવા માટે રીસેપ્શન પર પહોંચ્યો હતો. પરંતુ ત્યાંથી તેને ક્લાસ ટીચરને ફરિયાદ કરવા જણાવ્યું હતું.
વિદ્યાર્થીની કારકીર્દી બગાડવાનો મારો કોઇ ઇરાદો નથી
વાલીએ વધુમાં જણાવ્યું કે, બાદમાં પુત્રએ મને જાણ કરતા મેં આ અંગે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. તેમણે આ ઘટના અંગે કમિટી બનાવવાની વાત કરી હતી. સ્કુલના ગ્રાઉન્ડમાં સીસીટીવી ના હોવાનું બાદમાં મને જાણવા મળ્યું છે. ગળું દબાવનાર વિદ્યાર્થીની કારકીર્દી બગાડવાનો મારો કોઇ ઇરાદો નથી. પરંતુ આ ઘટનાનું પુનરાવર્તન ના થવું જોઇએ, તેવો અમારો ઉદ્દેશ્ય છે.
3 સભ્યોની ઇન્કવાયરી કમિટી બેસાડવામાં આવી
બીજી તરફ સમગ્ર ઘટના અંગે શાળા સંચાલકોએ જણાવ્યું કે, ઘટના અંગેની ઝીણવટભરી તપાસ કરવા માટે 3 સભ્યોની ઇન્કવાયરી કમિટી બેસાડવામાં આવી છે. જેની તપાસમાં જે કંઇ તથ્ય સામે આવશે, તેના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં મોટા ફેરફાર, ખૂણે ખૂણેથી કચરો એકત્ર કરાશે