VADODARA : પાણીની લાઇન મામલે ભાજપના બે કોર્પોરેટર વચ્ચે તડાફડી
VADODARA : વડોદરા પાલિકામાં સ્થાયી સમિતિની બેઠક પહેલા શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી. જેમાં પાણીની લાઇન નાંખવા મામલે ભાજપના બે કોર્પોરેટર વચ્ચે રીતસરની તડાફડી થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે. એક કોર્પોરેટર દ્વારા તેમના વિસ્તારના કામનો દાખલો ટાંકીને ટેન્ડરનો ભાવ ઓછો કરાવવા માટેનું સૂચન કરાવવામાં આવ્યું હતું. જો કે, તે અન્ય કોર્પોરેટરને મંજુર ન્હતું. જેથી તેમણે તેમના વિસ્તારના વિકાસ કાર્યોમાં દખલગીરી નહીં કરવા સ્પષ્ટ જણાવી દીધું હતું. આ કિસ્સામાં મહિલા કોર્પોરેટરે આખરે પોતાનો આકરૂં સ્વરૂપ દેખાડીને કામ મંજુર કરાવડાવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (VERBAL SPAT OVER WATER NETWORK OVERPRICED WORK - VADODARA)
પૂર્વ વિસ્તારમાં આ જ પ્રકારનું કામ 4 ટકા ઓછા ભાવે આપ્યું
તાજેતરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી. જેમાં વોર્ડ નં - 13 માં પાણીનું નેટવર્ક નાંખવા માટે ભાવ વધારા સાથેના કામને લઇને સ્થાયી સમિતિના સભ્ય ભાણજી પટેલે ટકોર કરતા કોર્પોરેટર જાગૃતિબેન કાકા બગડ્યા હતા. અને તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે, તમે મારા વોર્ડના કામમાં કેમ દખલગીરી કરો છો. આ કામ રૂ. 10.54 કરોડના ખર્ચે 11.90 ટકા વધુ ભાવ વધારા સાથે આપવા અંગેની ચર્ચા ચાલી હતી. જે અંગે ભાણજી પટેલે જણાવ્યું કે, પૂર્વ વિસ્તારમાં આ જ પ્રકારનું કામ 4 ટકા ઓછા ભાવે આપ્યું હતું. જેથી આ કામમાં પણ ભાવ ઘટાડો કરવો જોઇએ. જો કે, આ વાત કોર્પોરેટર જાગૃતિબેન કાકાને પસંદ આવી ન્હોતી.
હું પાણીનો ત્યાગ કરીશ
તેની સામે જાગૃતિબેન કાકાએ કહ્યું કે, તમે અમારા વોર્ડમાં દખલગીરી કેમ કરો છો, આ કામ મંજુર કરવું પડશે. આ તડાફડી દરમિયાન તેઓ બે વખત બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. અને આ અંગે ધારાસભ્યને ફોન કરીને ફરિયાદ પણ કરી દીધી હતી. પોતાની વાત મનાવવા માટે બેઠકમાં તેમણે ત્યાં સુધી કહી દીધું કે, હું પાણીનો ત્યાગ કરીશ, અને આ બાબતે સોશિયલ મીડિયામાં પણ લખીશ. આખરે આ કામને મંજુરી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તળાવ સાથે ગાર્ડન પણ વિકસાવવું જોઇએ
આ સાથે ભાયલી તળાવના બ્યુટીફીકેશનનેો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. જેમાં સમિતિના સભ્ય બંદિશ શાહે 38.38 ટકા વધુ ભાવના ટેન્ડર સામે સવાલ ઉઠાવ્યો હતો. અને તળાવ સાથે ગાર્ડન પણ વિકસાવવું જોઇએ, તેવો મત વ્યક્ત કર્યો હતો. જો કે, કોર્પોરેટર નિતીન દોંગાએ આ કામ મંજુર કરવું પડે તેવું હોવાની દલીલો કરી હતી.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીના મૃત મગરોની યાદમાં શોકસભા યોજાઇ, તંત્ર સામે રોષ