VADODARA : ભાજપના કોર્પોરેટર ભેરવાયા, દબાણના નામે સફાયો કરતા ફરિયાદ
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના અગ્રણી (BJP LEADER) ની ખાનગી માલિકીની જમીનમાં ભાજપના કોર્પોરેટર (BJP CORPORATOR) દ્વારા તોડફોડ કરવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે સમા પોલીસ મથક (SAMA POLICE STATION - VADODARA) માં ભાજપના હાલના કોર્પોરેટર ભાણજી ભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, કોર્ટનો હુકમ છતાં તેમના દ્વારા તોડફોડ કરીને રૂ. 40 હજારનું નુકશાન કરવામાં આવ્યું છે.
પાલિકાએ બાંધકામ કે ઠરાવ કરવાનો નહીં રહે તેવો કાયમી મનાઇ હુકમ
સમા પોલીસ મથકમાં ઉપેન્દ્ર અરગડેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કન્સલ્ટન્સીનું કામ કરે છે. તેમણે મિત્ર સાથે મળીને વર્ષ 2016 માં સમા વિસ્તારમાં એક જમીન ખરીદી હતી. જેનો દસ્તાવેજ તેમના નામે થઇ ગયો હતો. તે પૈકી એક પ્લોટ પર પાલિકાનું હક દર્શાવતું હોવાનું તેમના ધ્યાને આવતા મામલો કોર્ટમાં ગયો હતો. અને બાદમાં વર્ષ 2024 માં કોર્ટે જમીન તેમની માલિકીની હોવાનો હુકમ કર્યો હતો. આ સાથે પાલિકાએ કોઇ પણ પ્રકારનું બાંધકામ કે ઠરાવ કરવાનો નહીં રહે તેવો કાયમી મનાઇ હુકમ પણ કર્યો હતો.
મિલકતમાં તોડફોડ કરવામાં આવી હોવાની જાણકારી મળી
બાદમાં ફરિયાદી દ્વારા તેમની મિલકત નક્કી થઇ જતા, વાયર વડે ફેન્સીંગ કરીને બે ગેટ મુકવામાં આવ્યા હતા. અને પતરાની પાક્કી ઓરડી બનાવવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે, તેમની મિલકતમાં તોડફોડ કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી. બાદમાં કોર્પોરેટર ભાણજી ભાઇ પટેલે બાઇટમાં જણઆવ્યું કે, આ જગ્યા કોર્પોરેશનની છે. જેમાં તેઓ મીટર તથા ઓરડી બનાવેલી હોવાથી તે તોડી પાડવામાં આવી છે.
રૂ. 40 હજારનું નુકશાન થયું હોવાની આશંકા
આ તોડફોડમાં ફરિયાદીને રૂ. 40 હજારનું નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ ફરિયાદીએ ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલ વિરૂદ્ધમાં સમા પોલીસ મથકમાં અરજી આપી હતી. જેના આધારે ભાજપના કોર્પોરેટર ભાણજીભાઇ પટેલ (રહે. રધુવીરનગર, ન્યુ સમા રોડ, વડોદરા) વિરૂદ્ધ સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, આ કેસમાં ફરિયાદી ઉપેન્દ્ર અરગડે ભાજપના અગ્રણી થાય છે. જેથી આ મામલે ભાજપના જ અગ્રણીએ ભાજપના કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાવી હોવાની વાતો વહેતી થઇ છે.
આ પણ વાંચો -- VADODARA : ઊંઘમાં ચાલતા યુવકને મોત મળ્યું