VADODARA : સિનિયર ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયું
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુરના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL - VADODARA) હાલ મહાકુંભમાં ભાગ લેવા માટે જઇ રહ્યા છે. દરમિયાન તેમણે ફેસબુક પર એક પોસ્ટ (BJP MLA FACEBOOK POST CONTROVERSY - VADODARA) મુકી છે. જેમાં તેમણે હાલના ભાજપ પ્રમુખનું નામ લીધા વગર એક લીટીમાં પ્રહાર કર્યો છે. અને નવા બનનાર શહેર ભાજપ પ્રમુખ સર્વેના વિકાસ માટે કાર્યરત રહે તેવી અભ્યર્થતા વ્યક્ત કરી છે.
મંગળા દર્શન સમયની તસ્વીર મુકીને એક ટુંકુ લખાણ મુક્યું
વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ પોતાના બેબાક બોલ માટે જાણીતા છે. અગાઉ પણ તેઓ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ વિરૂદ્ધ વાકયુદ્ધમાં ઉતર્યા હતા. હાલ યોગેશ પટેલ તેમના અંગતમિત્રો સાથે મહાકુંભમાં ભાગ લેવા નીકળ્યા છે. દરમિયાન રસ્તામાં તેઓ અનેક જાણીતા દેવસ્થાનોના દર્શને જઇ રહ્યા છે. આ વચ્ચે તેઓ ગિરિરાજ શ્રીનાથજી બાવાના મંગળા દર્શન સમયની તસ્વીર મુકીને એક ટુંકુ લખાણ મુક્યું છે. જેને લઇને વડોદરા શહેરનો રાજકીય માહોલ ગરમાયો છે.
નામ લીધા વગર ડો. વિજય શાહ પર આડકતરો પ્રહાર
યોગેશ પટેલ દ્વારા પોસ્ટમાં કોઇનું પણ નામ લીધા વગર લખાયું છે કે, ભાજપ અધ્યક્ષ તરીકે સર્વ વૈષ્ણવજનને સર્વમાન્ય સર્વેના, નહીં કે સ્વના, વિકાસ માટે કાર્યરત રહે તેવી યોગ્ય પ્રતિભાની પસંદગી થાય તેવી અભ્યર્થતા..નવા કાર્યાલય માટેની ઘેલછા રાજકીયા હારાકીરી પુરવાર થઇ. આમાં તેઓ નામ લીધા વગર ડો. વિજય શાહ પર આડકતરો પ્રહાર કરતા હોવાનો વડોદરાના રાજકીય વર્તુળોમાં ગણગણાટ છે.
હાલના પ્રમુખ રીપીટ નહીં થવા તરફ છુપો ઇશારો
વડોદરામાં શહેર ભાજપ પ્રમુખના પદ માટે હાલના પ્રમુખ ડો. વિજય શાહ સહિત 44 ઉમેદવારો મેદાને છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે, તેવા સમયે સિનિયર ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટ હાલના પ્રમુખ રીપીટ નહીં થવા તરફ પણ છુપો ઇશારો કરી રહ્યો છે. જે ડો. વિજય શાહના સમર્થકો માટે નિરાશાજનક વાત છે.
આ પણ વાંચો -- VADODARA : MSU ના આસિ. પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ