VADODARA : ભાજપના કોર્પોરેટરને પાર્ટીએ શો-કોઝ નોટીસ ફટકારતા ખળભળાટ
VADODARA : વડોદરામાં વોર્ડ નં - 15 ના કોર્પોરેટર આશિષ જોષી અને વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ડભોઇના મહાનગર નાળાની સફાઇને લઇને ભારે તડાફડી થઇ હતી. જે બાદ 30 વર્ષે નાળાની સફાઇ શરૂ કરવામાં આવી છે. આ તડાફડીની ઘટના બાદ ભાજપ દ્વારા કોર્પોરેટર આશિષ જોષીને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે. (BJP PARTY SLAP NOTICE TO CORPORATOR OVER INDISCIPLINE - VADODARA)
ગેરશિસ્ત બદલ નોટીસ ફટકારવામાં આવી
વડોદરાના ડભોઇ રોડ પર મહાનગર નાળાની સફાઇને લઇને કોર્પોરેટર આશિષ જોષી અને પાલિકા કમિશનર દિલીપ રાણા વચ્ચે રીતસરની તડાફડી બોલી ગઇ હતી. બંને સામસામે આવી ગયા હતા, અને એક તબક્કે વાત તુ-તડાક સુધી પહોંચી ગઇ હતી. કોર્પોરેટરના આ વર્તનથી પાલિકાના અધિકારીઓ નારાજ થયા છે. અને તેમણે કોર્પોરેટર માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ગતરોજથી ઓવર ટાઇમ નહીં કરવાની અમલવારી કરવામાં આવી છે. આવનાર સમયમાં વિરોધના અલગ અલગ પ્રકાર સામે આવશે. આ વચ્ચે શહેર ભાજપ દ્વારા કોર્પોરેટર આશિષ જોષીને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે કરેલી ગેરશિસ્ત બદલ આ નોટીસ ફટકારવામાં આવી છે. અને તેનો જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
મારા કામો તથા મારો પક્ષ મુકીશ
આ તકે કોર્પોરેટર આશિષ જોષીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હોવાની વાત મને મીડિયાના માધ્યમથી થઇ છે. મેં હજીસુધી નોટીસ વાંચી નથી. પરંતુ આ અંગે મારે શહેર ભાજપ અધ્યક્ષને મળીને જે કંઇ મારા કામો તથા મારો પક્ષ મુકવાનો હશે, તે હું જરૂરથી મુકીશ. પાર્ટીએ મને સમય આપ્યો છે. હું મારા કામો સહિતની વિગતો તેમને જણાવીશ.
આ પણ વાંચો --- VADODARA : મ્યુનિ. કમિ. જોડે માથાકુટ બાદ કોર્પોરેટરે કહ્યું, 'હું પ્રજાની માફી માંગું છું'