વડોદરા : પાદરામાં IPL પર સટ્ટો રમાડતા બુકીને ત્યાં દરોડા, દારૂ અને 5 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી
વડોદરા જિલ્લા LCB દ્વારા પાદરા ટાઉનમાં દરોડો પાડીને મોબાઈલ પર આઈડી મારફતે ક્રિકેટ સટ્ટો રમતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી વિદેશી શરાબનો મુદ્દા માલ તેમજ પાંચ લાખ ઉપરાંત રોકડ રકમ કબજે લેવામાં આવી હતી.
હાલ IPL મેચ ચાલી રહી છે ત્યારે સટોડીયાઓ દ્વારા હવે ઓનલાઇન સટ્ટો રમવામાં આવી રહ્યો છે. કેટલાક બુકીઓ દ્વારા ઓનલાઇન વેબસાઈટ પર આઈડી બનાવીને સટ્ટો રમવા માંગતા ખેલીઓને મોકળૂ મેદાન પૂરું પાડવામાં આવે છે. જેમાં હવે પોલીસ પણ અત્યાધુનિક સાધનો સાથે આવા ગેરકાયદેસર સટ્ટાબેટિંગના વેપલાને ઝડપી પાડે છે.
ગતરોજ વડોદરા જિલ્લા LCB ના સ્ટાફને માહિતી મળી હતી કે પાદરા ટાઉનમાં પ્રમુખ રેસીડેન્સી નજીક આવેલા શ્રી લીલા કોમ્પલેક્ષના ચોથા માળે રહેતા તુષાર ઉર્ફે પપ્પુ ચંદ્રકાંત શાહ દ્વારા મોબાઈલ પર આઇડી મારફતે IPL મેચનો સટ્ટો રમાડવામાં આવે છે. અને તેની પાસે રોકડ રકમ તેમજ શરાબનો જથ્થો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. જે બાતમીના આધારે LCB ના સ્ટાફે દરોડો પાડતાં મોબાઈલ ફોનના માધ્યમથી આઈડી વડે સટ્ટો લઈને કેટલાક ખેલીઓને સટ્ટો રમાડતા તુષાર ચંદ્રકાંત શાહની ધરપકડ કરી હતી.
તેના ઘરમાંથી પોલીસને 14 નંગ બિયરની બોટલો તેમજ 5,39,210 રૂપિયા રોકડ મળી આવી હતી. પોલીસે કેલ્ક્યુલેટર બોલપેન અને પાનકાર્ડ સહિત 5,40,710નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અહેવાલ : વિજય માલી
આ પણ વાંચો : કામરેજ ટોલનાકા પર કાર ચાલક અને ટોલ કર્મચારીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી