VADODARA : તહેવાર ટાણે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાંનું વેચાણ ઝડપાયુ
VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં તહેવારોની મોસમ ખીલવાની તૈયારીમાં છે. ત્યારે હવે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાં વેચીને રોકડી કરનારા તત્વો સામે પોલીસ કાર્યવાહીની ઘટના સામે આવી રહી છે. શહેરના હરણી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ જીન્સ અને શોર્ટ જીન્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે.
એલસીબીએ પાડ્યા દરોડા
વડોદરામાં અગાઉ વૈભવી હોટલમાં જગ્યા ભાડેથી લઇને રસ્તામાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ કપડાં તથા અન્ય વસ્તુઓ વેચવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. તે ઘટનામાં પોલીસ કાર્યવાહી પણ થઇ હતી. છતાં ડુપ્લીકેટ વેચાણનો ધંધો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં વડોદરા એલસીબી ઝોન - 4 દ્વારા હરણીમાં આવેલી અલ્ટ્રા ફેશન પોઇન્ટ નામની શોપમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
બાતમીના આધારે કરવામાં આવી
અહિંયા તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ જીન્સ અને શોર્ટ જીન્સ મળી આવ્યા હતા. તમામ મુદ્દામાલની કિંમત રૂ. 1.25 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહી વડોદરા એલસીબી દ્વારા બાતમીના આધારે કરવામાં આવી હતી. એલસીબી દ્વારા બ્રાન્ડેડ કંપનીના માણસોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
રોકડી કરવા માટે મુનાફાખોરો સક્રિય બન્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારોની મોસમ ખીલવાની તૈયારી છે. ત્યારે લોકો કપડાં સહિતની વસ્તુઓની ખરીદી કરશે. તેવા સમયે બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ કપડાં પધરાવીને રોકડી કરવા માટે મુનાફાખોરો સક્રિય બન્યા છે. આ કાર્યવાહીનો જોતા બ્રાન્ડેડ ડુપ્લીકેટ કપડાં વેચનારાઓમાં પરસેવો વળી જવો સ્વભાવિક છે.
આ પણ વાંચો -- VADODARA : શ્રી ગણેશ ફેન્સી ઢોંસાના આઉટલેટની કિટલીમાં જીવતી ઇયળો ફરતી દેખાઇ