VADODARA : કાર બાદ હવે વેપારીના ગોડાઉનમાં ભેદી સંજોગોમાં આગ
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના કારેલીબાગ વિસ્તારમાં રહેતા વેપારીની દોઢ કરોડની કાર આગમાં ફૂંકાઇ ગઇ હતી. આસપાસના લોકો કંઇ સમજે તે પહેલા જ કાર ચોતરફખી આગની લપટોમાં આવી ગઇ હતી. આ ઘટના પાછળ હજીસુધી કોઇ કારણ જાણી શકાયું નથી. ત્યારે વેપારીના માથે બીજી આફત આવી પડી છે. કાર ગુમાવનાર વેપારીના જ દરજીપુરા સ્થિત ગોડાઉનમાં ગતરાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં વેપારીને મોટું નુકશાન પહોંચ્યું છે. આ જોતા વેપારીને કોઇ જાણીજોઇને ટાર્ગેટ કરી રહ્યું હોય, તેવી શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી. વેપારીએ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાની પુષ્ટિ કરી છે.
આવું કૃત્ય કોઇએ જાણી જોઇને કર્યું હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી
થોડાક દિવસો પહેલા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પરાગ સોસાયટીમાં રહેતા તપન ભાઇ શાહએ પાંચ મહિના પહેલા લીધેલી દોઢ કરોડની લેન્ડ રોવર ડિસ્કવરી કારમાં આગ લાગી હતી. કાર માલિકની નજરો સામે આખી કાર આગની લપટોમાં આવી ગઇ હતી. અને ખાખ થઇ ગઇ હતી. તે સમયે કાર માલિક તપન શાહ દ્વારા આવું કૃત્ય કોઇએ જાણી જોઇને કર્યું હોય તેવી આશંકા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. તેમની વાત હવે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.
આ ઘટના અંગે તપન શાહે પુષ્ટિ કરી છે
તપન શાહ દરજીપુરા ખાતે પોતાનું અગરબત્તીનું ગોડાઉન ધરાવે છે. ગતરાત્રે તેમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર લાશ્કરો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટના અંગે તપન શાહે પુષ્ટિ કરી છે. દોઢ કરોડની કાર ફૂંકાઇ જવા મામલે પોલીસ હજી સુધી કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. ત્યારે વધુ વેપારીના ગોડાઉનમાં આગની ઘટના તેમની આશંકા સાચી પડતી હોવા તરફ ઇશારો કરી રહી છે. હવે આ મામલે પોલીસની ઝીણવટભરી તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : ફર્નિચરનો આખો શો રૂમ આગમાં સ્વાહા થતા સંચાલક પરિવાર રડી પડ્યો


