VADODARA : ભરચક વિસ્તારમાં કારનું સ્ટીયરીંગ લોક થતા અફરા-તફરી મચી
VADODARA : વડોદરાના મકરપુરાના ભરચક વિસ્તારમાં કારનું સ્ટીયરીંગ લોક થઇ જતા ભારે અફરા તફરી સર્જાઇ છે. આ ઘટનામાં કાર ડિવાઇડર કુદીને લેનની બીજી બાજુ જઇ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટના બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. વિતેલા કેટલાય દિવસથી શહેર-જિલ્લામાં કાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેને પગલે લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. (STEERING LOCK CAR MET WITH AN ACCIDENT - VADODARA)
લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
વડોદરામાં હોલિકા દહનની રાત્રે ચકચારી રક્ષિતકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજયું હતું. જ્યારે અન્ય 7 ઇજાગ્રસ્ત થયા હતા. આ ચકચારી ઘટના બાદ રોજ શહેર-જિલ્લામાં એક કાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ પણ વિવિધ કાર્યવાહી કરી રહી છે, પરંતુ ઝડપખોરો પર લગામ કસવામાં જોઇએ તેવી સફળતા મળી નથી. આ વચ્ચે વડોદરામાં આજે વધુ એક કાર અકસ્માતની ઘટના સામે આવી છે.
ઘટનામાં કોઇ વ્યક્તિને જાનહાની થઇ ન્હતી
જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી બરોડા ડેરીથી તરસાલી તરફ જવાના રસ્તે પુરપાટ ઝડપે જતી કારનું સ્ટીયરીંગ લોક થઇ ગયું હતું. જેના કારણે કાર બેકાબુ બની હતી. અને ડિવાઇડર કુદીને બીજી લેનમાં જઇ ચઢી હતી. જો કે, ઘટનામાં કોઇ વ્યક્તિને જાનહાની થઇ ન્હતી, જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. અને આ સિલસિલો જલ્દીથી અટકે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : વડોદરા પાલિકાના શાસકોને મુખ્યમંત્રીનું તેડું