VADODARA : અશ્વની પ્રતિમાનું અનાવરણ, ડો. શાહે કહ્યું, "શહેરની તાકાતનો પરિચય કરાવશે"
VADODARA : વડોદરા (VADODARA) માં છાણી તરફથી પ્રવેશ મેળવતા સમયે આવતા મહત્વના છાણી ગામના બાજવા-ટી પોઇન્ટ જંક્શન પાસે અશ્વની પ્રતિમા (HORSE STATUE - CHHANI, VADODARA) નું આજે અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમાને લઇને કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર દ્વારા એક્સીડન્ટ ઝોનના બ્લેક સ્પોટનું કારણ આગળ ધર્યું હતું. જો કે, તેને અવગણીને અશ્વની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે છાણી સહકારી બેંકના અગ્રણી, ડેપ્યુટી મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિરોધને અવગણીને આજે અશ્વની પ્રતિમાનું અનાવરણ
વડોદરાના છાણીમાં અશ્વની પ્રતિમા મુકાતા કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, આ વિરોધને અવગણીને આજે અશ્વની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે વિરોધીઓ પર આડકતરો વાર પણ કર્યો હતો. જેને પગલે રાજકીય માહોલ ગરમાયો હતો.
વડોદરામાં ઘણા બધા સર્કલો સારા સંદેશ આપે છે
વડોદરાના ડે. મેયર ચિરાગ બારોટે કહ્યું કે, શહેરની જેટલી પણ એન્ટ્રી છે, તેને સુંદર બનાવવા, અને વડોદરામાં બહારથી આવેલા કોઇ પણ નાગરિક પ્રવેશે, તે લોકો સારૂ જુએ, તે ઉદ્દેશ્યથી શહેરમાં એન્ટ્રીને સુશોભિત કરવાની અને સ્ટેચ્યું મુકવાની મુહીમ શરૂ કરી છે. તેના ભાગરૂપે છાણી નાગરિક સહકારી બેંકના સતિષભાઇ પટેલએ અશ્વનું સ્ટેચ્યુ મુક્યું છે. તે ખુબ જ સુંદર છે. વડોદરામાં ઘણા બધા સર્કલો સારા સંદેશ આપે છે. તેમાં ઘણીબધી સંસ્થાઓનું પોતાનું યોગદાન છે. અશ્વ તાકાત અને રેસનું પ્રતિક છે.
કોઇ ટ્રાફિકના બ્લેક સ્પોટ હોતા નથી
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું કે, ઉત્તર દિશામાંથી કોઇ શહેરમાં પ્રવેશે ત્યારે તેની તાકાતને પરિચય થાય તે માટે અશ્વ મુક્યો છે. કાલાઘોડા સર્કલના કારણે શહેર ઓળખાય અને વખણાય છે. કાલાઘોડાને વર્ષો થયા છતાં તે યથાવત રહ્યું છે. તેવી જ રીતે આ અશ્વનું પ્રતિક શહેરની આન-બાન-શાન બનીને રહેશે. કોઇ ટ્રાફિકના બ્લેક સ્પોટ હોતા નથી. તે માણસોની નજરમાં જ હોય છે. વોર્ડ નં - 1 માં આવનાર સમયમાં ઘણાબધા સ્ટેચ્યુ આપણે મુકવાના છે. અને શહેરની સુંદરતામાં આપણે વધારો કરવાનો છે. આ સાથે જ આવનારી ચૂંટણીમાં વોર્ડ નં - 1 માં તમામ બેઠકો ભાજપને જીતાડવાનો હુંકાર કર્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત, નદી કિનારે રેમ્પ બનાવવા મશીનો કામે લાગ્યા