VADODARA : ઓટિઝમ પીડિત બાળક પર ડોક્ટરનો અત્યાચાર
VADODARA : વડોદરામાં ઓટિઝમ પીડિત બાળક પર અત્યાચારની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. બાળકના વિકાસ માટે તેને બરોડા ડેરી પાસે પ્રતાપનગરમાં આવેલા ન્યુ હોરિઝોન ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં મુકવામાં આવ્યો હતો. જ્યાં તેને સેન્ટર ડેડ દ્વારા ઉંચકીને પટકવામાં આવ્યો હોવાનું તથા તેની જોડે ગેરવર્તણુંક કરી હોવાનો કિસ્સો સપાટી પર આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ મકરપુરા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસની હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (CHILD WITH AUTISM FACE MISBEHAVE FROM DOCTOR OF NEW HORIZONS CHILD DEVELOPMENT CENTER - VADODARA )
ડો. મીરા તથા સહાયક પૂજા સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
વડોદરામાં ઓટિઝમ પીડિત 4 વર્ષિય બાળકનો વિકાસ થાય તે માટે માતા-પિતા દ્વારા તેને ન્યુ હોરિઝોન ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં મુકવામાં આવ્યો હતો. જ્યાં તેનું મનોબળ તુટે તેવો અમાનુષી વ્યવહાર તેની જોડે કરવામાં આવ્યો હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સેન્ટરના હેડ દ્વારા બાળકને ઉંચકીને પટકવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેના પગ પર પોતાનો પગ મુકીને બેસી ગયા હતા. આ ઘટના માતા-પિતાના ધ્યાને આવતા આખરે ન્યુ હોરિઝોન ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરના ડો. મીરા તથા તેના સહાયક પૂજા સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પ્રકારની ઘટના વાલીઓ માટે લાલ બત્તી સમાન
બંને સામે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓટિઝમ પીડિત બાળકોને વિશેષ કાળજીની જરૂરત હોય છે. જેથી તેમની રીતે તેમનો વિકાસ થાય તે માટે ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં મુકવાનું ચલણ વધ્યું છે. તેવા સમયે આ પ્રકારની ઘટના વાલીઓ માટે લાલ બત્તી સમાન છે. આ મામલે બાળક જોડે અત્યાચાર વર્તનાર સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો --- VADODARA : ભરથાણા ટોલ પ્લાઝા પર ભાવ વધારો ઝીંકાયો