VADODARA : સિટી બસની મુસાફરી "સલામત" બનાવવી જરૂરી
VADODARA : વડોદરા (VADODARA) ની સિટી બસ (CITY BUS - VADODARA) સેવા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે જીવાદોરી સમાન છે. રોજ મોટી સંખ્યામાં મુસાફરો એક વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં જવા માટે આ બસ સેવાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે સિટી બસ સેવામાં મુસાફરો જોખમી રીતે સવારી કરી રહ્યા હોય તેવી તસ્વીરો-ફોટા સપાટી પર આવ્યા છે. જેમા સ્પષ્ટ જોવા મળે છે કે, મુસાફરો બસની એન્ટ્રીગેટ સુધી લટકીને મુસાફરી કરી રહ્યા છે. અને આખી બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી છે. આ સંજોગોમાં અચાનક બમ્પર અથવા તો ખાડો આવો તે મુસાફર પટકાઇને રોડ પર પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
એન્ટ્રી ગેટ સુધીમાં મુસાફરો લટકીને મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે
વડોદરામાં રોજ હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે. પણ આ બસ સવારી એસટી સવારી જેટલી સલામત નહીં હોવાની સાબિતી આપતી તસ્વીરો અને વીડિયો સપાટી પર આવ્યા છે. વડોદરાની સિટી બસમાં સાંજના સમયે ખીચોખીચ મુસાફરો ભરેલી બસ જઇ રહી છે. મુસાફરો એટલા ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે કે, છેક એન્ટ્રી ગેટ સુધીમાં મુસાફરો લટકીને મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. આ તસ્વીરો વીડિયો સપાટી પર આવતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ પ્રકારની જીવલેણ બેદરકારી તુરંત અટકાવવા અને આ રૂટની ઓળખ કરીને તેના પર વધુ બસો દોડાવવાની માંગ ઉઠવા પામી છે.
વધુ બસો મુકવામાં આવે તો સિટી બસ સેવાની આવકમાં વધારો નોંધાઇ શકે છે
અત્રે નોંધનીય છે કે, વડોદરામાં પોતાના વાહન સિવાય સરળતાથી અને કિફાયતી ભાવે મુસાફરી કરવા માટે સિટી બસ સેવા બેસ્ટ છે. આમ તો સિટી બસ સેવા ખોટમાં જતી હોવાનું સમયાંતરે સામે આવતું રહે છે. તેની સામે મુસાફરોને ઠાંસી ઠાંસીને જતી બસ સવારી સોશિયલ મીડિયા મારફતે સામે આવી છે. ત્યારે જો આ રૂટની ઓળખ કરીને વધુ બસો મુકવામાં આવે તો સિટી બસ સેવાની આવકમાં વધારો નોંધાઇ શકે છે તેવું લોકોનું માનવું છે.
આ પણ વાંચો -- VADODARA : માત્ર લારી-ગલ્લાના દબાણો પર તવાઇ આવતા સામી લડતના એંધાણ


