VADODARA : શહેર પોલીસના 8 ડિવિઝનમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક
VADODARA : વડોદરા (VADODARA) માં હત્યા, લૂંટ, દુષકર્મ જેવી ગંભીર ઘટનાઓની ઝીણવટભરી તપાસ કરીને કન્વીક્શન રેટ વધારવા માટે રાજ્યમાં પ્રથમ વખત ક્રાઇમ સીન મેનેજર (CRIME SCENE MANAGER - VADODARA) ની નિમણૂંક કરવામાં આવી છે. ચકચારી ઘટનાઓના ગુનાના સ્થળ પર જઇને આ મેનેજર ઝીણવટભર્યા પુરાવાઓ વૈજ્ઞાનિક ઢબે એકત્ર કરશે. જે પોલીસની તપાસ માટે મહત્વનું પુરવાર થશે તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. વડોદરામાં પ્રથમ તબક્કામાં 8 ફોરેન્સીક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક કરાઇ છે.
ઝીણવટભર્યા પુરાવાઓ વૈજ્ઞાનિક ઢબે એકત્ર કરશે
દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે, સાથે જ ગુનાના વિવિધ પ્રકાર સામે આવી રહ્યા છે. ત્યારે આવા સમયમાં પોલીસ પણ વધુ સજ્જતાથી કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના શહેર પોલીસના 8 ડિવિઝનમાં ફોરેન્સીક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક કરાઇ છે. એસીપીને સોંપવામાં આવેલા ડિવિઝન અનુસાર તેમની ફાવળણી કરવામાં આવી છે. ગંભીર ગુનાઓના સ્થળ પર પહોંચીને તેઓ ઝીણવટભર્યા પુરાવાઓ વૈજ્ઞાનિક ઢબે એકત્ર કરશે. તેમની જવાબદારીમાં ગુનાના ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્ર કરીને તેને ફોરેન્સીક લેબમાં મોકલવા સુધીનો સમાવેશ છે.
વડોદરામાં બે ફોરેન્સિક સાયન્ટીસ્ટ તૈનાત
ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ, ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે આ મહત્વની પહેલ કરવામાં આવી છે. હાલમાં વડોદરામાં બે ફોરેન્સિક સાયન્ટીસ્ટ તૈનાત હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ સાથે ગુનાની તપાસ માટે ગ્લવ્ઝ સહિતનો જરૂરી સામાન માટે પોલીસે જાતે અથવા તો કેટલાક કિસ્સામાં ફરિયાદીએ પૈસા કાઢવા પડતા હતા. પરંતુ તેને ખર્ચ પણ હવે સરકાર આપશે, તેવું જાણવા મળી રહ્યું છે. જે માટે ડીસીપી થી લઇને ગ્રામ્ય પોલીસ મથક સુધીમાં 50 હજાર થી લઇને 15 હજાર સુધીનું બજેટ ફાળવવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આમ, થવાથી નાના-મોટા ભ્રષ્ટાચારની શક્યતાઓ પણ ડામવામાં સફળતા મળશે, તેવો ગણગણાટ છે.
આ પણ વાંચો -- VADODARA : બોટકાંડમાં દોષિત પાલિકાના એન્જિનિયરને આજીવન પેન્શન કાપની સજા