VADODARA : કોલેજ બેગમાંથી મોતનો સામાન ઝડપાયો
VADODARA : વડોદરા જિલ્લામાં હાલ તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વડોદરા પોલીસ (VADODARA POLICE) તથા વિવિધ બ્રાન્ચની ટીમો સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે વડોદરા પોલીસની ઝોન - 2 લોકલ ક્રાઇમ બ્રાન્ચની સ્કવોર્ડ દ્વારા બાતમીના આધારે એક શખ્સની અકોટા ગામ પાસેના બ્રિજ નીચેથી અટકાયત કરી છે. આ શક્સ પાસેથી દેશી તમંચો મળી આવ્યો છે. આરોપી વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કપડાંનું બારીકાઇ પૂર્વકનું વર્ણન આપવામાં આવ્યું
વડોદરામાં ગુનાખોરી ડામવા માટે શહેર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલીંગમાં હોય છે. દરમિયાન એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, અકોટા ગામના નવાવાસના નાકા પાસે બ્રિજ નીચે એક શખ્સ પાસે પિસ્તોલ જેવું ગેરકાયદેસર હથિયાર બેગમાં મુકીને ઉભો રહ્યો છે. સાથે જ તેના કપડાંનું બારીકાઇ પૂર્વકનું વર્ણન આપવામાં આવ્યું હતું. બાતમીના આધારે પંચોનો સાથે રાખીને સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.
તેને વેચવાની ફિરાકમાં વડોદરામાં ફરતો હતો
જેમાં બાતમીથી મળતા આવતા શખ્સની અટકાયત કરી તેની જડતી કરવામાં આવી હતી, શખ્સ પાસે કાળા કલરની કોલેજ બેગ મળી આવી હતી. જેમાં તપાસ કરતા તેમાંથી એક લાકડાના હાથાવાળો, ધાતુની ટ્રીગર વાળો અને બેરલ વાળો તમંચો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે શારીક અસ્ફાક સલમાની (રહે. અફીફા ફ્લેટ, અકોટા, વડોદરા) (મુળ રહે. શેખપુર કસ્બા, ઉત્તરપ્રદેશ) ની અટકાયત કરી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ રૂ. 15 હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ તમંચો આરોપી ઉત્તરપ્રદેશથી લાવ્યો હતો. અને તેને વેચવાની ફિરાકમાં વડોદરામાં ફરતો હતો. પરંતુ કોઇ ગ્રાહક મળે તે પહેલા જ પોલીસ તેના સુધી પહોંચવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો --- VADODARA : નવલખી કંપાઉન્ડમાં દારૂની મહેફિલ માણતા 11 ને દબોચતી પોલીસ