VADODARA : દિવાળી પૂર્વે જિલ્લાને રૂ. 507 કરોડના વિકાસ કામોની સોગાદ આપતા મુખ્યમંત્રી
- રાજ્યમાં નાગરિકો માટે સુખાકારીની સુવિધા ઊભી કરવા માટે નાણાંની કોઈ કમી નથી
- વોટર ડેફિસિએટ સ્ટેટનું બિરૂદ દૂર કરી હવે રાજ્યે હવે જળક્રાંતિ સર્જી છે અને વોટર સરપ્લસ સ્ટેટનું માન મેળવ્યું છે
- જળશક્તિ અને જનશક્તિને જોડીને ગુજરાતને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાણીદાર રાજ્ય બનાવ્યું છે
- ૬૯ હજાર કિલોમિટર લાંબી કેનાલના નેટવર્કથી નર્મદાના પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા છે
- જળસંચય અભિયાન થકી ભગીરથ પ્રયાસના કારણે ૧૧૫૨૩ લાખ ઘન ફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે
VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (GUJARAT CM BHUPENDRA BHAI PATEL) વડોદરા જિલ્લાના (VADODARA DISTRICT) નાગરિકોને દિવાળી પૂર્વે રૂ. ૫૦૭.૯૪ કરોડના વિકાસ કામોની સોગાદ આપતા જણાવ્યું કે, નાગરિકો માટે સુખાકારીની સુવિધા ઊભી કરવા ગુજરાત સરકાર માટે નાણાંની કોઈ કમી નથી. એક સમયે ગુજરાત ઉપર વોટર ડેફિસિએટ સ્ટેટનું બિરૂદ દૂર કરી હવે રાજ્યે હવે જળક્રાંતિ સર્જી છે અને વોટર સરપ્લસ સ્ટેટનું માન મેળવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA BHAI MODI) એ કંડારેલી વિકાસની કેડીને નવી દિશા તરફ લઈ જવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
ગુજરાત આજે બેસ્ટ વોટર મેનેજમેન્ટ એવોર્ડ્સ મેળવતું રાજ્ય બની ગયું
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસના સતત નવા નવા આયામો સર કરી રહ્યું છે. એક સમયે ગુજરાતમાં પાણીની ભારે અછત હતી. ઘરની માતા અને બહેનોને પાણી માટે માથે બેડા લઈ સીમમાં ભટકવું પડતું હત્તું. આ સમસ્યાનું નિરાકરણ શ્રી નરેન્દ્રભાઇ મોદી મહી, નર્મદા આધારિત સૌની યોજના, સુજલામ સુફલામ્ યોજના થકી લાવ્યા હતા. એક સમયનું પાણીની અછત ધરાવતું ગુજરાત આજે બેસ્ટ વોટર મેનેજમેન્ટ એવોર્ડ્સ મેળવતું રાજ્ય બની ગયું છે.
૭૭૦૦૦ જેટલી વસ્તી માટે પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધિ વધુ સુગમ બનશે
સાવલીના કનોડા ગામેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ રૂ. ૫૦૭.૯૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં સાવલી તાલુકાના કનોડા - પોઇચા ગામે નર્મદા અને કલ્પસર પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ. ૪૧૨ કરોડ કરતાં વધુ રકમના ખર્ચે નિર્માણ પામનારા મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પરિયોજનાથી સાવલી તાલુકાના ૩૪ ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના ૧૫ ગામોને લાભ મળશે. સાવલી નગર તેમજ આજુબાજુના ૪૦ જેટલા ગામોની આશરે ૭૭૦૦૦ જેટલી વસ્તી માટે પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધિ વધુ સુગમ બનશે. આવિયરથી ૪૯ જેટલાં ગામોના આશરે ૪૯૦થી પણ વધારે કુવાઓ રિચાર્જ થશે. આ ઉપરાંત ૨૧૦ કામોનું લોકાર્પણ અને અન્ય ૨૫૭ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમાં સાવલી એસટી ડેપોના વર્કશોપના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે.
પંચશક્તિ આધારિત વિકાસના પાયામાં જળશક્તિ અને જનશક્તિ
પાણીને પારસમણી અને પ્રભુનો પ્રસાદ માનવાનું વડાપ્રધાનશ્રી એ આહ્વાન કર્યુ છે, એમ કહેતા મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાતમાં વડાપ્રધાનશ્રીએ પંચામૃત શક્તિ આધારિત વૈશ્વિક વિકાસનો પાયો નાંખ્યો હતો અને આ પંચશક્તિ આધારિત વિકાસના પાયામાં જળશક્તિ અને જનશક્તિ રહેલી છે. આ બંને શક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવામાં આવ્યું છે. ૬૯ હજાર કિલોમિટર લાંબી કેનાલના નેટવર્કથી નર્મદાના પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા છે. જળસંચયના અનેક કામો રાજ્યમાં કરવામાં આવ્યા છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ગામનું પાણી ગામમાં અને સીમમાં, એ આધારે કામ કરી રહ્યા છીએ.
રાજયવ્યાપી પરિશ્રમ કરી ચેકડેમો, બોરિબંધોમાંથી કાંપ કાઢવામાં આવ્યો
ઉક્ત સંદર્ભમાં રાજ્ય સરકારના જળ સંચય અભિયાનની પરિણામલક્ષી વિગતો પ્રસ્તુત કરતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, આ અભિયાનની રાજયવ્યાપી પરિશ્રમ કરી ચેકડેમો, બોરિબંધોમાંથી કાંપ કાઢવામાં આવ્યો છે. નદી, નાળાની સફાઈ કરવામાં આવી છે. આ ભગીરથ પ્રયાસના કારણે ૧૧૫૨૩ લાખ ઘન ફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. ગુજરાતે જળક્રાંતિ સર્જી છે.
સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન
આ જળક્રાંતિના પરિણામે ગુજરાતના ઘરે ઘરે નલ સે જળ પહોંચ્યું છે. લાખો ખેડૂતના ખેતર સુધી પાક માટે સિંચાઇનું પાણી પહોંચ્યું છે. પિયત વિસ્તારમાં વૃદ્ધિ થઈ છે. એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણે સૌએ સ્વચ્છતાને સંસ્કાર અને સ્વભાવ બનાવી દેવો જોઈએ.
નરેન્દ્રભાઇ મોદીએ વિકાસમાં ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે
વડાપ્રધાનશ્રીના સફળ અને સક્ષમ નેતૃત્વને ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી, તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી અને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસમાં ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે, એમ સગર્વ કહ્યું હતું. આગામી ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત બનાવવાના મહા અભિયાનમાં ગુજરાત અગ્રીમ ભૂમિકા અદા કરશે, એવી પ્રતિબદ્ધતા પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
લોકોને સિંચાઈ, જળસંગ્રહ અને ભૂગર્ભ જળ સ્તરમાં વધારો કરવામાં ફાયદો થશે
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ વિસ્તારના લોકોનું સ્વપ્ન સાકાર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. સાવલી ખાતે પોઇચા કનોડા વિયરની ૧૦ મીટરની ઉંચાઈ અને ૭૨૦ મીટર લાંબી આ યોજનાથી વડોદરા, આણંદ, ખેડા જિલ્લાના સાવલી, ડેસર ઠસરા અને ઉમરેઠના લોકોને સિંચાઈ, જળસંગ્રહ અને ભૂગર્ભ જળ સ્તરમાં વધારો કરવામાં ફાયદો થશે.
પાણીનો મહત્તમ સંગ્રહ કરવાનો ઉદ્દેશ્ય
મંત્રીશ્રીએ ગુજરાતમાં પાણી સંબંધિત વિવિધ યોજનાઓ શરૂ કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ખાસ આભાર માન્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અને પાણીનો મહત્તમ સંગ્રહ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે. તળાવો, ચેકડેમ, બોર અને કૂવા રિચાર્જ અને વીયર ઊંડા કરીને જમીનમાં પાણીના તળ ઉંચા લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.
મદદ કરતી રકમમાં વધારો કરવા બદલ તેમણે મુખ્યમંત્રીનો ખાસ આભાર
તેમણે સિંચાઈ અને જળ સંસાધન વિભાગને આપવામાં આવેલા બજેટમાં નાણાંકીય જોગવાઇની રકમ છ હજાર કરોડથી વધારીને દસ હજાર કરોડ જેટલી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું અને વિવિધ સિંચાઈ યોજનાઓના અમલીકરણમાં મદદ કરતી રકમમાં વધારો કરવા બદલ તેમણે મુખ્યમંત્રીનો ખાસ આભાર માન્યો હતો.
ગામોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે સરળતા થશે
ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. સાવલી અને ડેસર વિસ્તારના લોકોની લાગણી સ્વીકારી તેમણે વિયર બનાવવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત મંજુસરમાં કામદાર રાજ્ય વીમા હોસ્પિટલ અને સાવલીમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની પણ મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી હતી. હવે મહી નદીમાં વિયર બનતા સાવલી, ડેરસ, ઉમરેઠ અને ઠાસરાના ગામોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે સરળતા થશે.
અગ્રણીઓની હાજરી
આ અવસરે મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઇ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, સાંસદ ડો. હેમાંગભાઇ જોશી, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઇ પટેલ, શૈલેષભાઇ મહેતા, મનિષાબેન વકીલ, અક્ષયભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પદાધિકારીઓ સર્વ શ્રી હર્ષદભાઇ પટેલ, ગીતાબેન સોલંકી, સુરપાલસિંહ પરમાર, સચિવ શ્રી પી. સી. વ્યાસ, કલેક્ટર શ્રી બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, અધિક સચિવ શ્રી એમ. પી. પટેલ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.