VADODARA : જિલ્લાના 55 ગામો સુધી સરકારના 17 વિભાગોની યોજનાઓ પહોંચાડવાની નેમ
- વડોદરા જિલ્લામાં ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ આગળ ધપશે
- અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતા ગામડાઓ સુધી વિકાસ પહોંચશે
- કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ જિલ્લા ધરતી આબા યુનિટની રચના કરાઈ
VADODARA : વડોદરા જિલ્લો (VADODARA DISTRICT) હવે ભારત સરકારના મહત્વકાંક્ષી ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ હેઠળ વધુ સમૃદ્ધ અને સર્વાંગી વિકાસના માર્ગે આગળ વધવા માટે તૈયાર છે. આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતા ગામડાઓમાં આવાસ, આરોગ્ય, શિક્ષણ, કનેક્ટિવિટી, આજીવિકા અને પાયાની સુવિધાઓ માટે સંકલિત પ્રયાસો દ્વારા સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.
૩૯૩૮૮ની કુલ વસ્તીને આ અભિયાનમાં આવરી લેવાશે
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, આ અભિયાનને ૨૦૨૪-૨૫ થી ૨૦૨૮-૨૯ સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે અમલમાં મૂકવામાં આવ્યું છે. વડોદરા જિલ્લો ગુજરાતના અન્ય મહત્વના જિલ્લાઓ સાથે આ અભિયાનના અમલીકરણમાં સામેલ થયો છે. જિલ્લાના કુલ ૮ બ્લોકના ૫૫ ગામડાઓ આ યોજના હેઠળ આવરી લેવાયેલા છે. આ ગામડાઓમાં ૮૫૪૧ પરિવારો અને અંદાજે ૩૯૩૮૮ની કુલ વસ્તીને આ અભિયાનમાં આવરી લેવામાં આવશે.
દેખરેખ, સંકલન અને માર્ગદર્શનની જવાબદારી
આ અભિયાનનું અમલીકરણ વિકેન્દ્રિત માળખા હેઠળ થાય છે. વડોદરામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ જિલ્લા ધરતી આબા યુનિટની રચના કરાઈ છે, જે તમામ યોજનાઓ અને ઇન્ટરવેન્શનની દેખરેખ, સંકલન અને માર્ગદર્શનની જવાબદારી સંભાળશે. આ યુનિટ દ્વારા પાત્ર લાભાર્થીઓના નોંધણી કામકાજથી લઈ વિસ્તારવાર ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવે છે અને માળખાગત સુવિધાઓ માટે જમીન ફાળવણીથી લઈ ડેટાના નિયમિત અપડેટ સુધીના કાર્યમાં દેખરેખ રાખવામાં આવે છે.
લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક
તાલુકા કક્ષાએ સ્તરે બ્લોક લેવલ અમલીકરણ ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં વેલ્ફેર ઓફિસર, બ્લોક એજ્યુકેશન ઓફિસર, સખીમંડળના મેનેજર અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓફિસર જેવા મહત્વપૂર્ણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમો હસ્તક્ષેપોને જમીન સ્તરે અમલમાં મૂકવામાં અને લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક સાધવામાં મહત્વની ભૂમિકા અદા કરશે.
આ ઇન્ટરવેન્શનથી પરિવારોમાં ગુણાત્મક પરિવર્તન આવશે
આ અભિયાન હેઠળ ૧૭ મંત્રાલયો દ્વારા ૨૫ પ્રકારના ઇન્ટરવેન્શન અમલમાં મૂકવામાં આવશે. આમાં આવાસ, પીવાનું પાણી, વીજળી, રસ્તાઓ, આરોગ્ય, સ્કૂલ, આંગણવાડી, આરોગ્ય કાર્ડ, કૌશલ્ય વિકાસ, ટેલિકોમ કનેક્ટિવિટી, કૃષિ અને પશુપાલન જેવી આવશ્યક સેવાઓનો સમાવેશ થાય છે. વડોદરાના આદિજાતિ વિસ્તારોમાં આ ઇન્ટરવેન્શનથી પરિવારોમાં ગુણાત્મક પરિવર્તન આવશે.
જિલ્લા કક્ષાએ સમયાંતરે સમીક્ષા બેઠક લેવામાં આવશે
પ્રગતિના નિયમિત નિરીક્ષણ માટે પીએમ ગતિશક્તિ પોર્ટલ અને પીએફએમએસ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ અને સૂચકાંકોના આધારે અમલીકરણ ઉપર દેખરેખ રાખવામાં આવશે. જિલ્લા કક્ષાએ સમયાંતરે સમીક્ષા બેઠક લેવામાં આવશે, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રોજેક્ટની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. અભિયાન વડોદરા જિલ્લાના આદિજાતિ સમુદાયોને સ્વાયત્તતા, સશક્ત કરી ગુણવત્તાપૂર્વકના જીવનધોરણ માટે મહત્વપૂર્ણ બની રહેશે.
આ પણ વાંચો --- Rashifal 19 May 2025 : આ રાશિના જાતકોને આજે મળી શકે છે નાણાકીય બાબતોમાં સફળતા