VADODARA : વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી સુધી પહોંચવા અનોખો પ્રયાસ
VADODARA : જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ વડોદરા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મિશન શક્તિ હેઠળ કાર્યરત વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. કલેકટર અનિલ ધામેલિયાએ વડોદરા જિલ્લામાં રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના હેઠળ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આવરી લેવા ગ્રામ્ય કક્ષાએ કેમ્પનું આયોજન કરવા જણાવ્યું હતું. વડોદરા જિલ્લામાં વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ ૧૧૭૮૭ જેટલા લાભાર્થીઓની સહાય મંજૂર કરવામાં આવી છે.કલેકટરશ્રીએ આ યોજના હેઠળ લાભાર્થીઓનો વ્યાપ વધારી જિલ્લાના મહત્તમ લાભાર્થીઓને યોજના હેઠળ આવરી લેવા જણાવ્યું હતું.
બાપોદ કેન્દ્રના પેટા કેન્દ્રની મંજૂરી મળી
કલેકટરે સખી વન સ્ટોપ સેન્ટર,બેટી બચાઓ - બેટી પઢાઓ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન,રાજ્ય સરકારની મહિલા સહાયતા કેન્દ્ર (પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર) ની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા જિલ્લામાં કાર્યરત સાત જેટલા મહિલા સહાયતા કેન્દ્રોમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૫૦૬,વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૪૯૭ અને વર્ષ ૨૦૨૪- ૨૫ માં ૭૭૧ સહિત કુલ ૧૭૭૪ મહિલાઓને મહિલા સંબંધી કેસો અને પારિવારિક પ્રશ્નો બાબતે મહિલાલક્ષી કાઉન્સિલિંગ કરી સમાધાન, કાયદાકીય સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.વડોદરા જિલ્લામાં સાવલી પોલીસ સ્ટેશનમાં બાપોદ કેન્દ્રના પેટા કેન્દ્રની મંજૂરી મળી છે.
૪૮૨ મહિલાઓને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી
વડોદરા શહેરમાં એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે.જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૮૨ મહિલાઓને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી શૈલેષ અંબારિયાએ વિવિધ યોજનો હેઠળ થયેલ કામગીરીની વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલમાં છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દુર કરાઇ