VADODARA : જ્વેલરી શોપના CCTV ઉપર કલર સ્પ્રે મારીને મોટો હાથફેરો
VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી શાક માર્કેટ પાસે આવેલી માનસી જ્વેલર્સની શોપમાં તસ્કરોએ સીસીટીવી પર કલર સ્પ્રે (COLOR SPRAY ON CCTV FOR THEFT - VADODARA) મારીને મોટો હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ રીતે સીસીટીવી પર કલરનો સ્પ્રે મારીને તસ્કરીને અંજામ આપવામાં આવ્યો હોવાની ઘટના અગાઉ પણ સામે આવી ચુકી છે. પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે તસ્કરો એક પછી એક ઘટનાને એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અંજામ આપી રહ્યા છે. હવે પોલીસ ક્યારે આ તસ્કરો સુધી પહોંચશે તે જોવું રહ્યું.
બંને ઘટનાઓમાં તસ્કરો સુધી પોલીસ પહોંચી શકી નથી
વડોદરામાં સુરક્ષા માટે લગાડેલા સીસીટીવીને તસ્કરો હવે ન્યુટ્રલાઇઝ કરવાનું શીખી ગયા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેર અને જિલ્લામાં સીસીટીવીમાં કલરનો સ્પ્રે મારીને જ્વેલરી શોપમાં તસ્કરીની બે ઘટનાઓ સામે આવી ચુકી છે. બંને ઘટનાઓમાં તસ્કરો સુધી પોલીસ પહોંચી શકી નથી. ત્યારે હવે તરસાલી શાક માર્કેટ પાસે આવેલી જ્વેલરીશોપના સીસીટીવી પર કલરનો સ્પ્રે મારીને હાથફેરો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં તસ્કરોને પકડવો પોલીસ માટે પડકાર રહેશે. આવા ચાલાક તસ્કરો સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચે છે તે જોવું રહ્યું.
35 કિલોના કિંમતી સોના-ચાંદીના મુદ્દામાલની ચોરી
જ્વેલરી શોપના સંચાલક નરેન્દ્ર શાહએ મીડિયાને જણાવ્યું કે, આજે સવારે પાંચ વાગ્યે મારા પાડોશીનો મને ફોન આવ્યો હતો. તમારી દુકાને તાળું તુટ્યું છે. અમે આવ્યા ત્યારે અમારી શોપનું તાળું તુટેલું હતું, અને જાળી બંધ હતી. શટર વચ્ચેથી કોસથી ઉંચુ કરીને તોડ્યું હતું. તેમણે ગોળ ફરીને આવ્યા પછી ધીરેથી જાળીમાંથી હાથ નાંખીને તેના પર સ્પ્રે માર્યું છે. તેમને કેમેરાની જગ્યા ખબર હોય તેમ એક પછી એક બે લોકોએ કેમેરા પર સ્પ્રે કર્યું હતું. કોઇ રેકી કરીને ગયું હોય તેણે આ કામ કર્યું હોવાની આશંકા છે. 35 કિલોના કિંમતી સોના-ચાંદીના મુદ્દામાલની ચોરી થઇ છે. અમારી જીવન ભરની પૂંજી છે. અમને મુદ્દામાલ મળી જાય તેવી જ અપેક્ષા અમે રાખી રહ્યા છે. અગાઉ પણ આ પ્રકારે નજીકમાં આવેલી ભાગ્યલક્ષ્મી જ્વેલર્સની દુકાનમાં હાથફેરો થયો હતો. પરંતુ તે સમયે શ્રમિકો જાગી જતા ચોરી નિષ્ફળ રહી હતી. અઠવાડિયામાં જ મારે ત્યાં ચોરી થઇ છે.
આ પણ વાંચો -- VADODARA : દૂઘ ખરીદવા જેવી બાબતે લોહી વહ્યું, બે સારવાર હેઠળ