VADODARA : લાંચ કાંડમાં સંડોવાયેલા રોયલ્ટી ઇન્સ્પેક્ટરના માતા ભાજપના કોર્પોરેટર
- વડોદરાના ખાણ અને ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે તેવી ઘટના
- વર્ગ બે અને ત્રણ ના મળીને ચાર અધિકારીઓ સામે એસીબીમાં ફરિયાદ
- રૂ. 2 લાખની લાંચ માંગતા ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ લખાવી હતી
VADODARA : વડોદરામાં લાંચ કાંડમાં ખાણ-ખનીજ વિભાગના પાંચ અધિકારીઓની સંડોવણી સામે આવી છે. તે પૈકી એક રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલના માતા અલકાબેન પટેલ આણંદ માં વોર્ડ નં - 5 ના કોર્પોરેટર છે. તેઓ ચૂંટાયા બાદ ભાજપમાં જોડાયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલાની તપાસમાં એસીબી દ્વારા ખાણ અને ખનીજ વિભાગમાં કેટલા કર્મચારીઓ છે, તેમની યાદી મંગાવવામાં આવી છે. સાથે જ રૂ. 2 લાખમાંથી કોને કોને ભાગ મળવાનો હતો તે જાણવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આગામી સમયમાં અનેકના પાપ ખુલે તો નવાઇ નહીં.
શું હતો સમગ્ર મામલો
તાજેતરમાં ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે ફરિયાદીએ રેતીનો સ્ટોક કરવા અંગે ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે કોઠી કચેરી ખાતે ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ ને મળ્યા હતા. જેઓએ આ અરજી મંજૂર કરવા માટે તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂ. 2 લાખની લાંચ માંગી હતી. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન્હતા. જેથી તેમણે એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો.
ચાર સામે એસીબીમાં નોંધાઇ ફરિયાદ
જે બાદ 12 મી તારીખના રોજ એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું અને ફરિયાદીને સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણના યુવરાજસિંહ ગોહિલે બીએપીએસ હોસ્પિટલ પાસે પ્રેમાવતી રેસ્ટોરન્ટ ખાતે લાંચની રકમ લઈને બોલાવ્યા હતા. જ્યાં યુવરાજસિંહ ફરિયાદી પાસેથી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ સાથે યુવરાજસિંહને લાંચ લેવા માટે મોબાઈલ ફોન ઉપર સંમતિ આપનાર કુબેર ભુવન ખાણ ખનીજ વિભાગના વર્ગ-બે ના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રવિ કુમાર કમલેશકુમાર મિસ્ત્રી તથા વર્ગ-ત્રણ ના આઈ.ટી એક્ઝિક્યુટિવ કિરણભાઈ કાંતિભાઈ પરમાર તેમજ ખાણ ખનીજ વિભાગ વર્ગ 3 ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેતભાઈ પટેલની પણ એસીબીએ રૂ.2 લાખની લાંચ કેસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો --- Surat : 'પાલિકામાં મોટા અધિકારીઓ સાથે આપણું સેટિંગ છે' કહી 30 લોકો સાથે 84 લાખની ઠગાઈ