VADODARA : પરિણીતાના આપઘાત માટે જવાબદાર પતિ સહિતના સાસરીયાને સજાનું એલાન
VADODARA : વડોદરામાં ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં વર્ષ 2022 માં દહેજ પેટે રૂ. 10 લાખની માંગણી કરવાની સાથે, તને છોકરા થતા નથી તેમ કહી ત્રાસ આપતા સાસરીયાના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇને પરિણીતાએ જીવન ટુંકાવ્યું હતું. આ મામલો અદાલતમાં ચાલી જતાં અદાલતે પતિને સાત વર્ષ અને સાસુ-સસરાને બે વર્ષની સજા ફટકારી હતી. જ્યારે બે નણંદ અને નણદોઇઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
પુત્રીના સુખી સંસાર માટે માતાએ રૂ. 4 લાખ આપ્યા
વડોદરા શહેરના વાસણા રોડ, સરોજપાર્ક સોસાયટીમાં રહેતા સુનિલ પ્રભાકર ખુરપડે ના લગ્ન દિવ્યા સાથે વર્ષ 2018 માં થયા હતા. લગ્નજીવન દરમિયાન પતિ, પત્નીને બંગલે કામ કરવા માટે ત્રાસ આપતો હતો. તેથી દિવ્યાએ માતાને વાત કરી હતી. જે બાદ સાસરીયા દ્વારા દહેજ પેટે રૂ. 10 લાખની માંગણી કરી ત્રાસ આપવાનો સિલસિલો શરૂ થયો હતો. દિવ્યા વારંવાર આ અંગે તેની માતાને ત્યાં જઇ ફરિયાદ કરતી, પરંતુ માતા તેને સમજાવી સમાધાનકારી રસ્તો અપનાવી સાસરીમાં મોકલતી. આ દરમિયાન પુત્રીના સુખી સંસાર માટે માતાએ રૂ. 4 લાખ પણ આપ્યા હતા.
મેરે સસુરાલવાલા કી વજહ સે મેં જાન દે રહી હું
તેમ છતાં સાસરિયા દ્વારા તને છોકરા થતા નથી તેવા મહેણા ટોણા મારી ત્રાસ આપતા હોવાના કારણે 19મી જાન્યુઆરી 2022ના રોજ દિવ્યાએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધું હતું. મરતા પહેલા તેણે પોતાના સાથળ પર હિન્દીમાં લખેલું કે મેરા પતિ, સાસ, સસુર, દોનો નણંદ-નણદોઇ ઇનકી વજહ સે મેં જાન દે રહી હું, મેરે સસુરાલવાલા કી વજહ સે મેં જાન દે રહી હું, સાત જન હૈ,
તમામની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી
આ મામલે તે સમયે ગોત્રી પોલીસે સુરેખાબેન પાટીલની ફરિયાદના આધારે સુનિલ પ્રભાકર ખુરપડે, પ્રભાકર તુકારામ ખુરપડે, મંગલાબાઇ પ્રભાકર ખુરપડે, સુરેખા દેવીદાસ વરાડે દેવીદાસ દેવરામ વરાડે વિરૂધ્ધ ગોત્રી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તાજેતરમાં અધિક સત્ર ન્યાયાધીશ આર.બી. ઇટાલીયાની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ એચ.આર. જોષીની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે સુનિલ ખુરપડેને સાત વર્ષની તેમજ પ્રભાકર ખુરપડે અને તેમના પત્ની મંગલાબાઇ ખુરપડેને બે વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : બોટકાંડની તપાસમાં બનાવટી દસ્તાવેજો રજુ કરનાર સામે FIRની માંગ