VADODARA : એક સપ્તાહની પેરોલ પર જેલમાંથી બહાર આવેલો કેદી સાત વર્ષે ઝડપાયો
VADODARA : આજીવન કેદની સજા પામેલ આરોપી 7 દિવસના પેરોલ પર વડોદરાની મધ્યસ્થ જેલ (VADODARA CENTRAL JAIL) માંથી બહાર નીકળીને ફરાર થઇ ગયો હતો. તપાસ ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) વધુ તપાસ ચલાવતા આરોપી મહારાષ્ટ્રમાં હોવાની ભાળ મળી હતી. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તુરંત મહારાષ્ટ્રની હોટલમાં પહોંચી હતી અને ખાનગી રાહે વોચ ગોઠવી હતી. વોચ ગોઠવતા આરોપીની ઓળખ કરીને તેને દબોચી લેવામાં આવ્યો છે. આમ, 7 દિવસના પેરોલ પર બહાર નિકળેલો આરોપી 7 વર્ષે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો હતો.
કેદી સમય પૂર્ણ થતા હાજર થવાની જગ્યાએ ફરાર થઇ ગયો
વડોદરામાં ગંભીર ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં સતત ક્રાઇમ બ્રાન્ચની ટીમો રહે છે. વર્ષ 2003 માં સયાજીગંજ પોલીસ મથકના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી અર્જુન રામચંદ્ર પાર્ટે (રહે. સંતકબીર નગર, અકોટા, વડોદરા) ને પાકા કેદી તરીતે વડોદરાની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. જે વર્ષ 2017 માં 7 દિવસના પેરોલ પર મુક્ત થયો હતો. ત્યાર બાદ કેદી સમય પૂર્ણ થતા હાજર થવાની જગ્યાએ ફરાર થઇ ગયો હતો. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને શોધી કાઢવા માટે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં તે અલગ અલગ હોટલમાં કામ કરતો
દરમિયાન આરોપી મહારાષ્ટ્રના પૂણેના લોહગાંવ ખાતેની હોટલમાં નોકરી કરતો હોવાનું તથા સ્ટાફ રૂમમાં રહેતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો મહારાષ્ટ્ર ખાનગી રાહે પહોંચી હતી. અને સંભવિત સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી. બાદમાં ખરાઇ કર્યા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી. તેની પુછપરછમાં તેણે કબુલ્યું કે, વર્ષ 2017 માં પેરોલ પર તે જેલમાંથી નીકળ્યો હતો. બાદમાં તે મહારાષ્ટ્ર નાસી ગયો હતો. અને અહિંયા તે અલગ અલગ હોટલમાં કામ કરતો હતો.
આ પણ વાંચો -- VADODARA : સગીર બાળકીને રોડ ક્રોસ કરાવી આધેડે ના કરવાનું કર્યું