VADODARA : પોલીસ બની છેતરતો ગઠિયો ઝબ્બે, પત્નીથી અલગ થતા ગુનાખોરી પસંદ કરી
VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા શહેરમાં રીઢા ચોરોને દબોચી લેવા માટે સતત વોચ રાખવામાં આવે છે. તેવામાં વાહન ચોરીની તપાસ દરમિયાન છેલ્લા કેટલાય દિવસોથી ટુ વ્હીલર ચોરીના કિસ્સાઓમાં એક વાત સામે આવી હતી. જેમાં આરોપી દ્વારા વાહન ગુમાવેલા માલિકને ફોન કરીને ચોરાયેલું વાહન પરત આપવાની વાત કરીને તે પેટે રૂપિયા ઉઘરાવતો હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં આ શખ્સની ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના અંતે પોલીસ સંજયભાઇ વણકર (રહે. તારાપુર) સુધી પહોંચી હતી. તે ગોલ્ડન ચોકડીથી અવાર-નવાર આવતો હોવાનું ધ્યાને આવતા ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી.
બાઇક અંગે પુછતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન્હતો
દરમિયાન આરોપી બાઇક લઇને પ્રવેશવા ગયો હતો. ત્યાં તેની નજર ક્રાઇમ બ્રાન્ચના જવાનો પર પડતા તેણે બાઇક વાળી દીધી હતી. જો કે, જવાનોએ સ્થિતી પારખીને તેને કોર્ડન કરીને તેનો રોકી લીધો હતો. તેની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. અને બાઇક અંગે પુછતા તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન્હતો. બાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા તેણે વટાણા વેરી દીધા હતા. તેણે કહ્યું કે, વિતેલા 25 દિવસમાં તેણે એસએસજી હોસ્પિટલ, એમ.એસ.યુનિ. અને અટલાદરા ખાતે ત્રણ અને બોડેલી, નડીયાદ, પેટલાદ ખાતે મળીને કુલ 6 બાઇકોની ચોરી કરી હતી.
માલિકના ફોન નંબર મેળવી લેતો અને બાદમાં રૂપિયાની માંગણી કરતો
તે ચાલાકી વાપરીને આ બાઇકોને ગેરેજવાળાને સોંપી દેતો હતો. અને બાદમાં પોલીસ મથકમાં ફોન કરીને વાહન મળી ગયું હોવાનું જણાવી માલિકના ફોન નંબર મેળવી લેતો હતો. અને ત્યાર બાદ રૂપિયાની માંગણી કરતો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે 6 બાઇક કબ્જે કરવામાં આવી છે. જેની કિંમત રૂ. 1.50 લાખ આંકવામાં આવી રહી છે.
આરોપીની એમઓ
આરોપી સંજય હરજીભાઇ વણકરની પત્નીએ તેની સામે પોલીસમાં પરિયાદ આપી હતી. તે બાદ તેઓ અલગ થઇ ગયા હતા. જેથી તે એક મહિનાથી જુદી જુદી જગ્યાએ રહેતો હોવાનું અને પોતાના આર્થિક ફાયદા માટે વગર મહેનતે રૂપિયો કમાવવાનું નક્કી કર્યું હતું. દેખી તે ચોરીના વાહનો થકી પોતે પોલીસ હોવાનું જણાવીને ઇન્ટરનેટથી મેળવેલા નંબર પર ફોન કરતો હતો. અને વાહન મળી ગયું હોવાનું જણાવીને ગુગલ પે થકી પૈસા મેળવી વાહન પહોંચાડવાની વાત કરતો હતો.
આ પણ વાંચો -- VADODARA : પાર્ક કરેલી ટ્રકમાં સંતાડી રાખેલો કુખ્યાત બુટલેગરનો દારૂનો જથ્થો જપ્ત