VADODARA : ડ્રેનેજ નજીકથી બહાર નીકળેલો મગર અટવાયો, લોકટોળા વચ્ચે રેસ્ક્યૂ
VADODARA : વડોદરા (VADODARA) માં હવે વગર વરસાદે મગર (CROCODILE) રહેણાંક વિસ્તાર નજીકમાં નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરાત્રે 2 વાગ્યે શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ડ્રેનેજ પાસેથી એક મગર નીકળીને અટવાયો હતો. અને પાસે જ રહેણાંક વિસ્તાર હોવાથી લોકો એકત્ર થઇ ગયા હતા. આ ઘટના અંગે એનજીઓનો સંપર્ક કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને લોકટોળાને પાછળ કરીને તેનું રેસ્ક્યૂ (RESCUE) કર્યું હતું. બાદમાં મગરને સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
કેટલાય દિવસોથી શહેરમાં વરસાદ નથી
વડોદરામાં સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં રહેણાંક વિસ્તારોમાં મગર નીકળવાની ઘટના સામે આવે છે. વિતેલા કેટલાય દિવસોથી શહેરમાં વરસાદ નથી. છતાં મગર નીકળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના વાઘોડિયા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ચાર રસ્તા પાસેના હીરાબા નગર સામે બની હતી. અહિંયા ડ્રેનેજના ખાડા પાસેથી એક મગર નીકળ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. બાદમાં આ મગર નજીકના ઘર સુધી પહોંચ્યો હતો અને અટવાયો હતો.
મગરના બચ્ચાનું સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું
દરમિયાન આ ઘટના અંગે પ્રાણીન ફાઉન્ડેશનના વોલંટીયર્સને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેવામાં મગરને જોવા માટે લોકટોળા એકત્ર થઇ ગયા હતા. એનજીઓના વોલંટીયર્સ દ્વારા લોકટોળાને ખસેડીને મગરના બચ્ચાનું સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મગર રોષમાં હોવાથી વારેવારે મોઢું ખોલીને આક્રોશ પ્રદર્શિત કરી રહ્યો હતો. જેથી મગર વધારે રોષે ના ભરાય તે વાતનું ધ્યાન પણ વોલંટીયર્સે રાખ્યું હતું.
સ્થળે છોડી દેવામાં આવશે
આખરે મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને નવ વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. બાદમાં મગરને સલામત સ્થળે છોડી દેવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મગરનું રેસ્ક્યૂ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો -- VADODARA : સેન્ટ્રલ જેલના કેદીઓએ બે દેશોના વડાપ્રધાનને આવકારતી રંગોળી બનાવી