VADODARA : ડ્રેનેજ ચેમ્બરમાંથી સડેલો મૃતદેહ મળવા મામલે FIR
VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) ને શર્મસાર કરે તેવો કિસ્સો બે દિવસ પૂર્વે સપાટી પર આવ્યો હતો. શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલી ઝુપડપટ્ટીની ડ્રેનેજ ચેમ્બરમાંથી નવજાતનો સડેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બાળકની જનેતાની ભાળ મેળવવા માટે પોલીસે (VADODARA POLICE) વિવિધ ટીમો બનાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે કપુરાઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અને નવજાતના સડેલા મૃતદેહનું પોસ્ટ મોર્ટન કરીને તેના ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા હોવાનું એસીપીએ જણાવ્યું છે.
લાઇન ચોકઅપ થતા પાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી
તાજેતરમાં વડોદરાના સોમા તળાવ ઝુંપડપટ્ટીની ડ્રેનેજ ચેમ્બર ખોલતા જ સૌ કોઇ ચોંકી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ચેમ્બરમાંથી નવજાત બાળકનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રેવા બા નગર ઝુંપડપટ્ટીની ઘટનાને પગલે કપુરાઇ પોલીસ દોડતી થઇ હતી. આ વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થતા સ્થાનિકો દ્વારા પાલિકામાં તે સંબંધિત ફરિયાદ કરવામાં આવી હતી. આ સમસ્યાનો ઉકેલ કાઢવા માટે ડ્રેનેજ ખોલતા જ નવજાત શીશુનો સડેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
નવજાત બે દિવસ પહેલા જન્મ્યું હોઇ શકે
ACP પલસાણાએ જણાવ્યું કે, ઘટના સ્લમ વિસ્તારમાં બની છે. તેના સીસીટીવી ફૂટેજ મળી શક્યા નથી. પરંતુ આસપાસના રહેવાસીઓની ઝીણવટભરી પુછપરછ કરાઇ છે. મેડિકલ તપાસ બાદ ધ્ચાને આવ્યું કે, નવજાત બે દિવસ પહેલા જન્મ્યું હોઇ શકે. નવજાત 6 માસનું હોવાનો તબિબોનો અભિપ્રાય છે. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. અને તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. મામલાની તપાસ માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. હોસ્પિટલ, નિવેદન, તથા પુછપરછ માટેની ટીમો કામ કરી રહી છે. નવજાતને ત્યજી દેવું ગુનો બને છે. જો કોઇથી આ ભૂલ થઇ હોય તે પોલીસ સમક્ષ આવીને જાહેર કરી દે.
આ પણ વાંચો -- VADODARA : 10 દિવસ સુધી પરિવાર શોધતું રહ્યું, અને વૃદ્ધાનો મૃતદેહ ઘરમાંથી જ મળ્યો