VADODARA : ગેરકાયદેસર રેતી ખનન પુલ માટે જોખમી, કોંગ્રેસે ઉચ્ચારી આંદોલનની ચીમકી
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલીના કરનેટ ગામે મહીસાગર નદીના પટમાંથી મસમોટું ગેરકાયદેસર રેતીચોરીનું કૌભાંડ (ILLEGAL SAND MINING - SAVLI, VADODARA) ઝડપાયું હતું. ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોર્ડની ટીમે દરોડા પાડતા મામલો સપાટી પર આવ્યો હતો. દરોડામાં અંદાજીત રૂ. 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અને આ કૌભાંડમાં ડભોઈ નગર પાલિકાના પ્રમુખ સામેલ હોવાના ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. સાથે જ જો 7 દિવસમાં ગેરકાયદેસર ખનન બંધ કરાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
નહીં તો પુલને મોટું જોખમ ઉભુ થશે
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદન પત્રમાં સનસનીખેજ આરોપો મુકવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે, ડભોઇ અને સંખેડાને જોડતો પુલ હોવાનું જાણવા છતા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જો ભૂમાફિયાઓનું આ કૃત્ય અટકે નહીં તો પુલને મોટું જોખમ ઉભુ થશે. સાથે જ ડભોઇ અને સંખેડા વચ્ચે અવર-જવર કરતા લોકો મુશ્કેલીમાં મુકાશે. આ ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓ પર અગાઉ હુમલા પણ કર્યા છે. તેની સામે ફરિયાદ પણ નોંધાઇ છે. છતાં તેમને કોઇ બીક નથી, અને ખુલ્લેઆમ રેતી ખનન ચાલુ જ છે.
મોટા પાયે રોયલ્ટીનું નુકશાન
ડભોઇ નગર પાલિકાના પ્રમુખની રેતી ખનનમાં સંકળાયેલી ટ્રકો પકડાયેલી અને પોલીસને સોંપવામાં આવી હોવાના સમાચાર વહેતા થયા હતા. જો તેને રોકવામાં નહીં આવે તો મોટા પાયે રોયલ્ટીનું નુકશાન થાય તેમ છે. જો ગેરકાયદેસર ખનનનું કાર્ય આગામી 7 દિવસમાં નહીં અટકે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેદન પત્રની તંત્ર પર કોઇ અસર થાય છે કે નહીં તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : MSU માંથી ચંદનના લાકડાની ચોરી, "પુષ્પા" પકડાશે ખરા..!


