VADODARA : અમૃતપુરાના ખેડૂત ડિસ્ટ્રિક્ટ 'મિલિયોનેર ફાર્મર ઓફ ઇન્ડિયા' એવોર્ડથી નવાજિત
- વડોદરાના ખેડૂતે પ્રેરણારૂપ કામ કર્યું
- તેમણે અનુભવના આધારે કીટ લેબ બનાવવા સરકારમાં રજુઆત કરી છે
- MFOI એવોર્ડ માટે સમગ્ર દેશમાં 22 હજાર ખેડૂતોના નામાંકન આવ્યા
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના વાઘોડિયા (WAGHODIA) તાલુકાના અમૃતપુરા ગામની ઓળખ હવે માત્ર નાનકડા ગામ તરીકે નથી રહી. માત્ર 400 જેટલી વસ્તી ધરાવતું આ ગામ આજે સમગ્ર ગુજરાત માટે કુદરતી ખેતીનું જીવંત ઉદાહરણ બની ચૂક્યું છે. અહીંના રબનિસ્તભાઈ પટેલ, જેમને મસ્તાનભાઈ તરીકે ઓળખવામાં આવે છે, છેલ્લા 50 વર્ષથી સંપૂર્ણ કુદરતી પદ્ધતિએ ખેતી કરે છે. 73 વર્ષના મસ્તાનભાઈનું કૃષિપ્રેમ એટલો ઊંડો છે કે આજે પણ તેઓ વૈજ્ઞાનિક અભિગમ સાથે નવી નવી પ્રયોગો કરતા રહે છે.
અસલ દસ્તાવેજો આજે પણ તેમની પાસે સુરક્ષિત
મસ્તાનભાઈનો પરિવાર છેલ્લા 150 વર્ષથી કૃષિ સાથે સંકળાયેલો છે. તેમના પૂર્વજોએ ગાયકવાડી સમયગાળામાં આ જમીન કરાર દ્વારા મેળવી હતી, અને તે અસલ દસ્તાવેજો આજે પણ તેમની પાસે સુરક્ષિત છે. આજે તેઓ અમૃતપુરા ગામની 100 વીઘા જમીનમાં પંચસ્તરીય ખેતીના આધારે વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, અનાજ, ઔષધિ વૃક્ષો અને બાયોડાયવર્સિટીનાં ભંડાર જેવા પાકો ઉગાડે છે.
પાકના રક્ષણ માટે મિત્ર કીટકોની મહત્વપૂર્ણ ભૂમિકા
તેઓ પોતાની ખેતી પદ્ધતિને “ઈશ્વર પ્રેરિત જીવ વ્યવસ્થાપન” કહે છે – જેના આધારે IPM (Integrated Pest Management) સિસ્ટમને પોતાનું નામ આપ્યું છે. તેઓ માને છે કે પાકના રક્ષણ માટે મિત્ર કીટકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેનો સાચો ઉપયોગ ખેડૂતને ઉન્નત બનાવી શકે છે. તેમણે insect museum અને કીટક લેબ બનાવવા માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
બાગાયત અને વૈવિધ્યતાથી ભરેલી વાડી
મસ્તાનભાઈની વાડી એવા કૃષિ પ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે, જેઓ ખેતીમાં વૈવિધ્ય અપાવવા માંગે છે. અહીં 20 કરતાં વધુ જાતની કેરીનો ઉછેર થાય છે, જેમાં કેસર, લંગડો, હાફૂસ, દશેરી, આમ્રપાલી, અરુણીકા, સોનપરી, અંબિકા, લાડવા, તોતાપુરી અને વિદેશી મિયાઝાકી કેરીનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને આ કેરીઓ ગ્રાફ્ટિંગ ટેક્નોલોજીથી ઉગાડી છે. કુલ 43 વિઘમાથી 10 વીઘા જમીન પર યુકલિપ્ટ્સ, 8 વીઘામાં જામફળ અને લીંબુ, 25 વીઘામાં કેરીઓનું ઉત્પાદન કરી રહ્યા છે.
12 થી 15 ટન કેરીઓનું ઉત્પાદન થવાની આશા
કેરીના ઉત્પાદનની વાત કરીએ તો, ગયા વર્ષ 2024માં 5 થી 6 ટન ઉત્પાદન સામે બે થી અઢી લાખ જેટલી આવક થઈ, જયારે આ વર્ષે 2025માં બમ્પર ઉત્પાદનમાં 12 થી 15 ટન કેરીઓનું ઉત્પાદન થવાની આશા દર્શાવી છે. આ કેરીઓ વડોદરા સહિત સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, અને યુકે મોકલવામાં આવે છે.
25,000 જેટલા નીલગીરીના વૃક્ષોનો પણ ઉછેર કર્યો
તેઓએ પોતાના ખેતરમાં થાઈલેન્ડની મીઠી આંબલી, યુકલિપ્ટસ, સાગવાન, પપૈયા, મીઠી લીંબડી, નારિયેળી, અમળા, અર્જુન છાલ, પામટ્રી અને 25,000 જેટલા નીલગીરીના વૃક્ષોનો પણ ઉછેર કર્યો છે. આમ, તેમની વાડી પોતે જ એક નાનકડું વનભૂમિ સમાન છે. તેઓએ લગભગ 800 જેટલા આંબા અલગ અલગ જાતના ગોટલાં પર નવી કલમ કરીને ઉગાડ્યા છે. આ દ્રષ્ટિએ પણ તેઓ ખેતીમાં નવીનતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ લાવે છે.
ડિસ્ટ્રિક્ટ મિલિયોનેર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ 2024
દિલ્હીમાં કૃષિ જાગરણ મંચ દ્વારા આયોજિત MFOI એવોર્ડ માટે સમગ્ર દેશમાં 22 હજાર ખેડૂતોના નામાંકન આવ્યા હતા. તેમાંથી 1,200 ખેડૂતોની પસંદગી થઈ. તેમા વડોદરા જિલ્લાના અમૃતપુરાના મસ્તાનભાઈ (રબનિસ્તભાઈ પટેલ)ને પણ પસંદ કરવામાં આવ્યા. પુસા કૃષિ પ્રદર્શન મેદાન, દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં મસ્તાનભાઈને એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના ખેડૂતો, કૃષિ નિષ્ણાતો અને મંત્રીઓ હાજર રહ્યા હતા. મસ્તાનભાઈના જીવનકામ અને ખેતી પ્રયોગો એ દુનિયાભરના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
નવી પેઢી માટે માર્ગદર્શિકા
મસ્તાનભાઈ જેવી કૃષિ દૃષ્ટિ અને જીવંત પ્રયોગો ધરાવતા ખેડૂતના પ્રયાસો આજે નવી પેઢી માટે માર્ગદર્શિકા બની રહ્યા છે. પ્રાકૃતિક ખેતી, વૈવિધ્યસભર પાક અને કુદરતપ્રેમી દૃષ્ટિ સાથે ખેડૂત કેવી રીતે આર્થિક સમૃદ્ધિ મેળવી શકે તે જોવું હોય તો અમૃતપુરા ગામના મસ્તાનભાઈની એકવાર મુલાકાત લો – જ્યાં કુદરત છે કૃપા અને ખેતી છે ઉત્સવ.
આ પણ વાંચો --- VADODARA : દિવ્યાંગ તરણવીર ગરિમા વ્યાસની સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રી