Vadodara : ભગવાનના વાઘા તૈયાર કરતી મહિલાઓ પરિવારનો ટેકો બની
- બહેનો ઘર સાચવવાની સાથે વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું
- એક મહિલાથી શરૂ થયેલું મંડળ આજે 10 સુધી પહોંચ્યું
- લોકલ ફોર વોકલના સ્વપનને ખરા અર્થમાં સાકાર કરતી મહિલાઓ
Vadodara : વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. "જય માતાજી સખી મંડળ"ની બહેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) “વોકલ ફોર લોકલ” (Vocal For Local) આહ્વાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) માર્ગદર્શનને આત્મસાત કરીને પોતાના કૌશલ્યને આર્થિક આત્મનિર્ભરતામાં રૂપાંતરિત કરી રહ્યા છે.
આત્મવિશ્વાસ અને સ્વતંત્રતામાં વઘારો
બે વર્ષ પહેલાં 51 વર્ષીય નયનાબેન ચંદ્રકાંત પંચાલના નેતૃત્વમાં રચાયેલા આ મંડળમાં હાલ 10 ગૃહિણીઓ જોડાયા છે. આ સખી મંડળની બહેનો પોતાના રોજિંદા કાર્ય બાદ મળતા સમયનો સદુપયોગ કરીને હાથ બનાવટવાળી બેગ, પર્સ અને ભગવાનના વાઘા બનાવવાનું કાર્ય શરૂ કર્યું. આજ રોજ આ કાર્ય માત્ર તેમના પરિવારોને આર્થિક સહારો પૂરું પાડે છે એટલું જ નહીં, પણ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા પણ વધારી રહ્યું છે.
નફાકારક વ્યવસાય મોડેલ
નયનાબેન પંચાલે જણાવ્યું કે, “હું જાતે જ આ કળા શીખી અને પછી ગ્રાહકોની માંગ મુજબ કામ શરૂ કર્યું. પછી અન્ય બહેનો સાથે મળીને અમે જય માતાજી સખી મંડળ બનાવ્યું. શરૂઆત બેગ અને પર્સથી કરી અને આજે મંદિરો તથા મેળામાં પહોંચાડવા ભગવાનના વાઘા પણ તૈયાર કરીએ છીએ. અમારો ધ્યેય આ કાર્યને નફાકારક વ્યવસાય મોડેલ બનાવી વધુ મહિલાઓને જોડવાનો છે.”
કાર્યએ અમને આર્થિક સ્વતંત્રતા આપી
મંડળ વડોદરાથી કાચો માલ ખરીદે છે અને દરેક સભ્ય પોતાની કળા પ્રમાણે કટિંગ, સીવણ અને ડિઝાઇનિંગ કરે છે. ઘણીવાર તો એક જ દિવસમાં 10 થી 15 ભગવાનના વાઘા તૈયાર કરતા હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના મંદિરો તથા મેળામાં આ વાઘા મોકલવામાં આવે છે. મંડળના સભ્ય હેતલબેન માચી એ જણાવ્યું કે, “આ કાર્યએ અમને આર્થિક સ્વતંત્રતા આપી છે. અમે એક ટીમ તરીકે કામ કરી પરિવારને ટેકો આપી રહ્યા છીએ. ભવિષ્યમાં અમારું મંડળ વધુ વિકસે અને વધુ મહિલાઓ જોડાય તેવો અમારો પ્રયાસ છે.”
સમાજના વિકાસમાં યોગદાન
માલસરનું જય માતાજી સખી મંડળ એ સાબિત કર્યું કે જ્યારે ગ્રામ્ય સ્તરે મહિલાઓને તક મળે છે, ત્યારે તેઓ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસમાં યોગદાન આપી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ‘વોકલ ફોર લોકલ’ આહ્વાન અને રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણ તરફની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું આ મંડળ આજે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક પ્રેરણાસભર પગલું છે.
આ પણ વાંચો ---- Vadodara : તબલાવાળા પરિવારનો ઢોલ, જ્યાં ગુંજે છે સંસ્કૃતિના સૂર અને 'લોકલ ફોર વોકલ'નો સંકલ્પ