VADODARA : ગરમીમાં લૂ લાગતા મોતની પ્રથમ ઘટના નોંધાઇ
VADODARA : હાલ ગરમીની મોસમ ચાલી રહી છે. જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ તેમ લોકો તેનાથી બચનાવા ઉપાયો વધુ અજમાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ગરમીથી લૂ લાગવાના કારણે મોતની પ્રથમ ઘટના સામે આવી છે. વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી પોલીસ મથક વિસ્તારમાં શિહોરા ભાગોળ પાસેના કુવાની બાજુમાં આ ઘટના નોંધાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અત્યારે વેઠી શકાય ગરમી છે, ત્યારે આવી ઘટનાઓ સામે આવી રહી છે, તો ભર ઉનાળે કેવી સ્થિતી સર્જાશે, તેવો અંદાજો લગાડવો મુશ્કેલ છે. (FIRST DEATH NOTE IN SUMMER DUE TO HEAT STROKE - VADODARA).
એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો
ધીમા પગે આવીને ઉનાળાએ એન્ટ્રી લઇ લીધી છે. વિતેલા કેટલાક સમયથી લોકો બપોરે કામ વગર નીકળવાનું ટાળે છે. ત્યારે ઉનાળાની સીઝનમાં પ્રથમ વખત લૂ લાગવાના કારણે મોતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી પોલીસ મથકની હદમાં આવતા શિહોરા ગામની ભાગોળ પાસેના કુવાની બાજુમાંથી એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે.
મૃતકની ઉંમર 30 વર્ષ હોવાનું અનુમાન
ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. આ સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની ઉંમર 30 વર્ષ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તે રોડ સાઇડમાં સુતો હોવાથી તેને વધારે પડતી ગરમી લાગતા, લૂ લાગવાના કારણે મોત નીપજ્યું હોવાનું સાવલી પોલીસના ચોપડે નોંધાયું છે. હાલ યુવકની ઓળખ થઇ શકી નથી. તેની ઓળખ કરવા માટે પોલીસે કમર કસી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, યુવક રખડતો અને અસ્થિર મગજનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
પોલીસે વધુ તપાસ સોંપી
સમગ્ર મામલે સઇદઅનવર ઇસુબભાઇ શેખ (રહે. સાવલી, શિહોરા) એ સાવલી પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ પોલીસ જવાન દુર્ગેશભાઇ ભાવસિંગભાઇને સોંપી છે.
આ પણ વાંચો --- Gujarati Top News : આજે 23 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?