ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : શહેર નજીકની ઇકો ટુરીઝમ સાઇટને દિવાળી ફળી

VADODARA : ભાટ, ધનપરી અને ભિંડોલ ઇકો ટુરિઝમ સાઇટ ખાતે દિવાળીના તહેવારોમાં ૧૯૫૩ પ્રકૃતિ પ્રેમીઓએ લીધો લાભ
12:00 PM Nov 09, 2024 IST | PARTH PANDYA
VADODARA : ભાટ, ધનપરી અને ભિંડોલ ઇકો ટુરિઝમ સાઇટ ખાતે દિવાળીના તહેવારોમાં ૧૯૫૩ પ્રકૃતિ પ્રેમીઓએ લીધો લાભ

VADODARA : દિવાળી (DIWALI) ની ઉજવણીમાં હવે સમાજમાં નવીનતાનો આગ્રહ વધતો જાય છે. કેટલાક પરિવારો હવે દિવાળીને સેવાનો અવસર બનાવે છે. આ પરિવારો ગરીબ વસાહતો ,નિરાધાર અને બેસહારા બાળકોના આશ્રય સ્થાનો અને વડીલો માટેના આશ્રય સ્થાનોમાં જઈને એમની સાથે,પોતાની પાસે જે હોય કપડાં, મીઠાઈ કે ફટાકડા આ બધું એમની સાથે વહેંચીને, પોતાના આનંદમાં એમને સહભાગી બનાવીને દીવડાઓનું પર્વ ઉજવે છે. તો અન્ય કેટલાક પ્રકૃતિ ચાહક લોકો અને પરિવારો કુદરતના ખોળે દીપ ઉત્સવના દિવસો પસાર કરવાનો આનંદ માણે છે.

વન્ય જીવ અભયારણ્ય અંતર્ગત વિકસાવવામાં આવી

વડોદરા (VADODARA) ની આસપાસ થોડાક કિલોમીટરના અંતરે વન વિભાગની પ્રકૃતિના ખોળે રમમાણ બનીને ઉત્સવ ઉજવવાની સુવિધાઓ છે. આ સુવિધાઓ જાંબુઘોડા વન્ય પ્રાણી અભયારણ્ય અને રતન મહાલ હેઠળના કંજેટા વન્ય જીવ અભયારણ્ય અંતર્ગત વિકસાવવામાં આવી છે.

સ્થાનિકોના સશક્તિકરણના અભિગમને પીઠબળ આપે

આ ઉપરાંત છોટાઉદેપુર વન વિભાગ હેઠળ કેવડી ખાતે વન્ય નિવાસ અને વન દર્શન, પરિભ્રમણની સુવિધાઓ યોગ્ય દર ચૂકવીને ઉપલબ્ધ છે. આ સુવિધાઓનું સંચાલન બહુધા સ્થાનિક લોકોની કમિટીઓ ને સોંપવામાં આવ્યું છે અને વન વિભાગના અધિકારીઓ અને વનકર્મીઓ તેના સંચાલનમાં માર્ગદર્શન અને સહયોગીની ભૂમિકા અદા કરી સ્થાનિકોના સશક્તિકરણના અભિગમને પીઠબળ આપે છે.

૧૯૫૩ લોકોએ દિવાળીમાં જંગલમાં મંગલનો લહાવો લીધો

હમણાં જ દિવાળી પૂરી થઈ અને દેવ દિવાળી દરવાજે દસ્તક દઈ રહી છે. ત્યારે વડોદરા વન્ય જીવ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સુવિધાઓનો લાભ લઈને ફૂલ ૧૯૫૩ લોકોએ દિવાળીમાં જંગલમાં મંગલનો લહાવો લીધો હતો.

ગામઠી ભોજન સુવિધાઓ અને વન કેડી સંચરણનો લાભ

આ પૈકી જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય હેઠળની સુવિધાઓનો ૧૪૩૭ લોકોએ અને કંજેટા વન્ય જીવ અભયારણ્ય હેઠળની સુવિધામાં ૫૧૬ લોકોએ પ્રકૃતિ વચ્ચે દિવાળી માણી હતી. યાદ રહે આ એ લોકોની વાત છે, જેમણે આ જંગલોમાં વન વિભાગે ઊભી કરેલી વિશ્રામ કુટિરો, ગામઠી ભોજન સુવિધાઓ અને વન કેડી સંચરણનો લાભ લીધો. આ ઉપરાંત તહેવારોમાં ઘણાં લોકો આ વિસ્તારના ઝંડ હનુમાન જેવા તીર્થ સ્થળોના દર્શને આવતાં જ હોય છે.

ભિંડોલ ઇકો ટુરિઝમ સેન્ટરમાં ૫૧૬ લોકો દિવાળી મહેમાન બન્યા

વિગતવાર જોઈએ તો વડોદરા વન્ય જીવ વિભાગની શિવરાજપૂર રેન્જ હેઠળ ભાટ ઇકો ટુરિઝમ સેન્ટર આવેલું છે. જેનો લાભ દિવાળી ઉજવવા ૧૦૭ લોકોએ લીધો. જ્યારે જાંબુઘોડા રેન્જ હેઠળ કડા ડેમ સાથે સંલગ્ન ધનપરી પ્રકૃતિ પ્રવાસન સુવિધા આવેલી છે. જેનો ૧૩૩૦ લોકોએ દિવાળી ઉજવવા લાભ લીધો. તો કંજેટા રેન્જમાં ભિંડોલ ઇકો ટુરિઝમ સેન્ટરમાં ૫૧૬ લોકો દિવાળી મહેમાન બન્યા. આ સ્થળો તેમજ છોટાઉદેપુરના કેવડીમાં શિયાળામાં કેમ્પિંગ, વન ભ્રમણ, વન શિબિરો યોજવાની સુવિધાઓ છે. જેનો લાભ પ્રકૃતિપ્રેમીઓ અને પ્રકૃતિ શિક્ષણ સંસ્થાઓ એ લેવા જેવો છે.

પક્ષી તીર્થ સરોવરને કાંઠે દૂર દેશાવરના પક્ષીઓનો મેળો જામે એવી અપેક્ષા

હાલમાં ગરમીનું પ્રમાણ થોડું વધુ છે એટલે ડભોઇ નજીક આવેલું વઢવાણા પક્ષી તીર્થ જોઈએ તેટલું પાંખાળા મહેમાનોની ચેતનાથી ધબકતું થયું નથી. બસ નજીકના દિવસોમાં સ્વેટર અને ગરમ વસ્ત્રોનું વેકેશન પૂરું થઈ જાય એવી ઠંડી પડે અને આ પક્ષી તીર્થ સરોવરને કાંઠે દૂર દેશાવરના પક્ષીઓનો મેળો જામે એવી અપેક્ષા છે.

આ પણ વાંચો -- VADODARA : સ્વાગત કાર્યક્રમ થકી લોક પ્રશ્નોના નિકાલમાં વડોદરાનો અગ્રતા ક્રમ

Tags :
breakbyDistricteconearnotedrecordsitetourismVadodaravisitors
Next Article