VADODARA : રૂ. 10 ની મોરની છાપવાળી નોટથી કરામત કરવાનું કહી લાખો સેરવ્યા
VADODARA : વડોદરા શહેર-ગ્રામ્ય (VADODARA CITY - DISTRICT) માં એક પછી એક રૂપિયા ડબલ કરી આપવાની માયાજાળમાં ફસાવીને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગથી (MONEY FRAUD SCAM - VADODARA) ભોગબનનાર સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો મંજુસર પોલીસ મથકમાં પહોંચ્યો છે. જેમાં ટી સ્ટોલ ધારકને એક કા ડબલ કરવાની લાલચ આપીને લાખો રુપિયાની ઠગાઇ કરવામાં આવી હતી. આખરે ત્રણ ગઠિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
એક ગુરૂજી છે, તેઓ આ નોટ વડે રૂપિયા ડબલ કરી આપે છે
મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION - VADODARA) માં અજયકુમાર પરમારે નોંધાવેલી ફરિયાદ અુસાર, તેઓ જય માતાજી ટી સ્ટોલ ચલાવે છે. તેમની સાથે તેમની માતા અને પત્ની પણ જોડાયેલા છે. એદ મહિના પહેલા અલગ અલગ વાહન પર રાજુભાઇ, મહેશભાઇ તથા બે ઇસમો આવ્યા હતા. બાદમાં તેઓ સમાજના હોવાથી છોકરી માટે લગ્ન કરવાનું હોવાનું જણાવીને વાતચીત થઇ હતી. બાદમાં તેમણે જણાવ્યું કે, જો રૂ. 10 ની નોટ જેના પર મોરની છાપ હોય તેવી નોટ હોય તો મને જણાવજો, અમારે કામ છે. બાદમાં ઉત્સુકતાવશ તેનું કારણ પુછતા જણાવ્યું કે, અમારી પાસે એક ગુરૂજી છે, તેઓ આ નોટ વડે રૂપિયા ડબલ કરી આપે છે. બાદમાં ચાની દુકાને તમામની અવર જવર રહેતી હતી.
રુમાલ પર પૈસા, નાળિયેર, ફૂલો, તથા અગરબત્તી કરી
દરમિયાન એક દિવસ રૂ. 10 ની નોટ મળી આવી હતી. જેથી ફરિયાદીઓ રૂપિયા ડબલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં પોતાની મૂડી, તથા જમીનના વેચાણની રકમ ડબલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. બાદમાં રૂ. 5 લાખ થેલીમાં ભરીને નદી કિનારે લઇ જવામાં આવ્યા હતા. બોડેલીના ગુરૂજીએ રૂ. 10 ની નોટ જમીન પર મુકી તેમાં મુકેલા રુમાલ પર પૈસા, નાળિયેર, ફૂલો, તથા અગરબત્તી કરી હતી. બાદમાં રૂમાલમાં મુકેલી રકમ ડબ્બામાં મુકી દીધી હતી. જેના ડબલ કરીને ગુરૂજી પાસેથી લાવવાની ખાતરી બે શખ્સોએ આપી હતી.
11 દિવસની રાહ જુઓ તમારા રૂપિયા ડબલ થઇ જશે
બાદમાં ગુરૂજીએ જણાવ્યું કે, રૂપિયા ડબલ કરવામાં વિધ્ન આવી રહ્યું છે. જેથી વિધી કરવી પડશે, અને તેનું એડવાન્સ બુકીંગ કરવું પડશે. બાદમાં વિધીનો સામાન લાવવા રૂ. 18 લાખ માંગવામાં આવ્યા હતા. જે બાદ ફરિયાદીએ રૂ. 3 લાખની વ્યવસ્થા કરીને આપ્યા હતા. બાદમાં ગુરૂજી તથા અન્યનો ફોન આવતો રહેતો હતો. અને બાકીના ખુટતા પૈસાની માંગણી કરવામાં આવતી હતી. પૈસા ચૂકવ્યા બાદ આખરે વાયદો મળ્યો કે, 11 દિવસની રાહ જુઓ તમારા રૂપિયા ડબલ થઇ જશે. બાદમાં કપુરાઇ પોલીસ મથકમાંથી ફોન આવ્યો હતો. અને જાણ કરાઇ કે ગઠિયાઓએ એક કા ડબલના બહાને ફરિયાદી તથા અન્યને ચુનો ચોપડ્યો છે. આખરે રૂ. 23 લાખની ઠગાઇ મામલે ગુરૂજી, રાજુભઆઇ અને મહેશભાઇ સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : કંપની બોન્ડનું ઉલ્લંઘન કરી ગુપ્ત ડેટા ચોર્યા, કરોડોના નુકશાન બદલ ફરિયાદ


