VADODARA : પૂર્વ કોર્પોરેટરના પુત્રનો હત્યારો જેલ હવાલે, કારેલીબાગ પોલીસ કબ્જો મેળવશે
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની પોલીસ જવાનોની હાજરીમાં જ ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે 8 જેટલા આરોપીઓને પોલીસે દબોચ્યા છે. તે પૈકીના મુખ્ય આરોપી સહિત પાંચના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે બીજી ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાઇ છે. જેના અનુસંધાને તપાસ કરવા માટે કારેલીબાગ પોલીસ મથક દ્વારા આરોપી બાબરનો કબ્જો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતા તમામ જેલહવાલે
તાજેતરમાં વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપનની, બાબરે ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. આ હત્યા પોલીસ જવાનોની હાજરીમાં કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના બાદ ગણતરીના સમયમાં પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. આ મામલે કારેલીબાગ પોલીસ મથક અને રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. એક મામલે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓ બાબર હબીબખાન પઠાણ ( ઉ.વ.32 રહે,નાગરવાડા સરકારી શાળા નં.10 પાસે કારેલીબાગ વડોદરા( બન્ને ગુનામાં), વસીમ નુરમહમદ મન્સુરી ઉ.વ.38 રહે. હાથીખાના મહાવત ફળીયુ વડોદરા (બન્ને ગુનામાં ), શકીલહુસેન એહમદભાઇ શેખ ઉ.વ.30 રહે.નાગરવાડા નવરંગ મહોલ્લો વડોદરા), એજાજહુસેન એહમદભાઇ શેખ ઉ.વ.34 રહે.નાગરવાડા નવરંગ મહોલ્લો વડોદરા (બન્ને ગુનામાં) અને શબનમ W/O વસીમ નુરમહંમદ મન્સુરી ઉ.વ.33 રહે. હાથીખાના મહાવત ફળીયુ વડોદરા શહેર) ને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતા તમામને જેલહવાલે કરવામાં આવનાર છે,
હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચાકુ હાથ લાગ્યું
જ્યારે કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની તપાસ બાકી હોવાથી બંને ગુનામાં આરોપીઓનો કબ્જો મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ઘટનાનું રીસન્ક્ટ્રક્શન કરતા સમયે પોલીસને હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચાકુ હાથ લાગ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : ચોથા દિવસે દબાણ હટાવવાનું જારી, ટોળા એકત્ર થતા પોલીસ ખડકી દેવાઇ


