VADODARA : ખેડૂતની વાત માનશો તો હોસ્પિટલ જવાનો વારો નહીં આવે
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના શેરખી ગામના ૩૬ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત, ઉપેન્દ્રસિંહ મહિડા ૨૦૧૮થી આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી (COW BASED FARMING) કરી રહ્યા છે. તેઓ તેમના એક વિઘાના ખેતરમાં શાકભાજી, ફળો, ઔષધીય છોડ તથા ગાય આધારિત ખેતી દ્વારા પ્રાકૃતિક ખેતી કરે છે.
મહત્વપૂર્ણ આર્થિક લાભ આપે છે
તેઓ મિશ્રપાક પદ્ધતિ અપનાવવા પર ભાર મૂકતા કહે છે કે આ પદ્ધતિ ખેડુતોને આર્થિક નુકશાનથી બચાવે છે. હાલમાં તેઓ મેથી, ધાણા, ગાજર, બીટ, મુળા, સરગવો જેવી શાકભાજી ઉગાડી રહ્યા છે. ફળોમાં મલેશિયન અંજીર, કેરી, જામફળ, ચીકુ, ડ્રેગનફ્રુટ અને કાળી શેરડીનો સમાવેશ થાય છે. મલેશિયન અંજીરના ૧ કિલોગ્રામના વેચાણ મૂલ્ય રૂપિયા ૧૮૦૦થી ૨૦૦૦ સુધી પહોંચે છે, જે તેમને મહત્વપૂર્ણ આર્થિક લાભ આપે છે.
કાળી હળદર ઔષધીય ગુણધર્મો માટે લોકપ્રિય
ઉપેન્દ્રસિંહ ખાસ કરીને વિવિધ પ્રકારની હળદરની ખેતી કરે છે,જેમાં કાળી હળદર, સોના હળદર, પિતાંબરી હળદર, રાજાપુરી હળદર અને સેલમ હળદરનો સમાવેશ થાય છે. ખાસ કરીને કાળી હળદર ઔષધીય ગુણધર્મો માટે લોકપ્રિય છે અને બજારમાં ઊંચા ભાવે વેચાય છે.
મિશ્રપાક પદ્ધતિ અને આચ્છાદાન પદ્ધતિ ખેતર માટે મુખ્ય આધારશીલા
તેઓના મતાનુસાર, ગાય આધારિત ખેતી સ્વસ્થ જમીન અને પાક માટે લાભદાયક છે. ગાયના ગોબરના ઉપયોગથી ૧૮ પ્રકારના પોષણ તત્ત્વો મળી આવે છે, જે પાકને વધુ તંદુરસ્ત બનાવે છે. જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, મિશ્રપાક પદ્ધતિ અને આચ્છાદાન પદ્ધતિ તેમનાં ખેતર માટે મુખ્ય આધારશીલા છે. આ પદ્ધતિઓ જમીનની ફળદ્રુપતા વધારે છે અને રાસાયણિક ખાતરોનો ખર્ચ ટાળી શકાય છે. પ્રાકૃતિક ખેતીના પાકને ખોરાકમાં લેવાથી હોસ્પિટલ જવાની જરૂર પડતી નથી.
તેઓ પ્રાકૃતિક ખેતીના પ્રેરણાસ્ત્રોત બન્યા
ઉપેન્દ્રસિંહ ઔષધીય છોડ, જેમ કે અશ્વગંધા, સફેદ મૂસળી, કરિયાતું, સત્તાવરી, ગજપીપર, જીવંતીડોડી, મધુનાશિની અને લક્ષ્મીતરૂની પણ સફળ ખેતી કરે છે. મધુનાશિનીના ઉપયોગથી ડાયાબિટીસ જેવા રોગોને નિયંત્રિત કરવામાં મદદ થાય છે. ઉપેન્દ્રસિંહના અનુભવ અને પ્રયત્નો દ્વારા આજે તેઓ પ્રાકૃતિક ખેતીના એક પ્રેરણાસ્ત્રોત બન્યા છે, જે સ્વસ્થ જીવનશૈલી તરફ માર્ગદર્શન આપે છે. પ્રગતિશીલ ખેડુત ઉપેન્દ્રસિંહ ગૌ સેવા થકી પ્રાકૃતિક ખેતીમાં નોંધનીય પ્રગતિ કરી છે ઉપરાતં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : નવા બનતા વિસ્તારોના નાગરિકોને મતદાર યાદીમાં સાંકળવા સૂચના