VADODARA : પ્રથમ ઘટના, ઇજાગ્રસ્ત રખડતા શ્વાનની થાપાની 'સફળ' સર્જરી
VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં રખડતા શ્વાન (STRAY DOG) માટે અનોખી લાગણી દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભૂરી નામના શ્વાનના બે પગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સામાન્ય સંજોગોમાં રખડતા શ્વાનને કંઇ થાય તો લોકો અનદેખું કરી દે છે. પરંતુ ભૂરીના કિસ્સામાં આહુતિબેન યાદવ અને જિતેન્દ્રભાઇ યાદવ દ્વારા સેવા-સારવાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અનેક વિરોધોનો સામનો કરીને, ઓપરેશન પહેલા અને પછીના સમયમાં વિશેષ કાળજી રાખીને યાદવ દંપતિએ ભૂરીને નવું જીવન આપ્યું છે. આમ, ભૂરી રાજ્યની પ્રથમ થાપાની સફળ સર્જરી કરાવનાર શ્વાન (FIRST STRAY DOG TO GO THROUGH HIP SURGERY - VADODARA) બની છે.
તેના બંને પગ કામ કરતા ન્હતા
આહુતીબેન યાદવ એ (ANIMAL LOVER AAHUTI YADAV - VADODARA) મીડિયાને જણાવ્યું કે, રખડતા શ્વાનનું નામ ભૂરી છે. વર્ષ 2022 માં અમારી ઓફિસનું બાંધકામ ચાલતું હતું. તેવામાં અચાનક ભૂરી પાછળના પગેથી લંગડાતી ચાલતી આવતી હતી. ત્યાર બાદ મેં આસપાસમાં પુછપરછ કરીને કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ધ્યાને આવ્યું કે, એક કાર ચાલક દ્વારા તેના પર વાહન ચઢાવી દેવામાં આવ્યું હતું. જેથી ભૂરીના પાછળના બે પગ અતિગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ મેં તેને ઘણી જગ્યાએ સારવાર માટે તપાસ કરી હતી. તેના બંને પગ કામ કરતા ન્હતા, તેની સાથે જે નિત્યક્રમ કરવા માટે પણ ઉભી થઇ શકે તેમ ન્હતું. ત્યાર બાદ અમે તેની સેવા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી તે અમારી પાસે જ રહે છે. અમારી ત્રણ માળની બિલ્ડીંગ છે. શ્વાન હોવાના કારણે વિશિષ્ઠ ગંધ આવતી હોવાથી ભાડુઆત સવાલો કરે છે. જેથી મેં સ્પષ્ટ કરી દીધું કે, આ તેનું ઘર છે, તે હશે ત્યાં સુધી અહિંયા જ રહેશે.
ડો. રામ ભૂરીના જીવનમાં આશીર્વાદરૂપ બનીને આવ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે, તાજેતરમાં એક ઘટના ઘટી હતી. અમારી સામે આવેલી હોસ્પિટલના લોકો દ્વારા ભૂરીને અમારે ત્યાં આવીને માર મારવામાં આવ્યો હતો. જેને લઇને અમારો ઝઘડો પણ થઇ ગયો હતો. જે બાદ સના મેડમ ભૂરીના જીવનમાં દેવદુત બનીને આવ્યા, અને તેમણે વિશ્વાસ અપાવ્યો કે, ભૂરીની સારવાર થઇ શકે છે. જો કે, મેં તમામ પ્રયત્નો કર્યા છતાં કોઇ સફળતા મળી ન્હતી. તે બાદ અન્ય કાર ચાલકે ભૂરી જોડે અકસ્માત સર્જ્યો હતો. જેથી તેના થાપાના ભાગનું હાડકું તુટી ગયું હતું. બાદમાં સના મેડમ મને રામ સર પાસે લઇ ગયા હતા. ડો. રામ ભૂરીના જીવનમાં આશીર્વાદરૂપ બનીને આવ્યા છે. ભૂરી રાજ્યનું પહેલું એવું રખડતું શ્વાન છે, તેના થાપામાં પ્લેટ નાંખવામાં આવી છે. તેની સર્જરી સફળ રહી છે. આજે ભૂરી પોતાના પગ પર ચાલી શકે છે. તેનાથી વિશેષ ખુશીની વાત મારા માટે કંઇ નથી. આ સર્જરી બાદ તેની વિશેષ કાળજી રાખવાની જરૂર પડી હતી. જેથી અમે સવાર અને સાંજની પાળી પ્રમાણે કામ વહેંચીને તેની સંપૂર્ણ દેખરેખ રાખી હતી. આજે ભૂરી પોતાના ચારેય પગ પર ફરી રહી છે.
આવા કેસમાં નિદાન અને સારવાર મુશ્કેલ હોય છે
ડો. રામ કામલીયાએ મીડિયાને જણાવ્યું કે, ભૂરીને બંને પગમાં પેરાલીસીસની હાલત હતી. બાદમાં તેનો એક્સરે અને સીટી સ્કેન કરાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, તેને એક બાજુએ થાપાનું હાડકું ખસી ગયું છે, અને અન્યત્રે ફ્રેક્ચર છે. આવા કેસમાં નિદાન અને સારવાર મુશ્કેલ હોય છે. બાદમાં તેની સર્જરી કરવામાં આવી છે. ઓપરેશનમાં તેના થાપાના ભાગે પ્લેટ મુકવામાં આવી છે. હાલમાં તેનું ફીઝીયોથેરાપી ચાલુ છે. આ પ્રકારે રખડતા શ્વાન માટે ઓપરેશન કરાવીને તેની કાળજી લેવામાં આવી હોવાનો આ પ્રથમ કિસ્સો છે. અમે હ્યુમન રેડીયોલોજીસ્ટ પાસે લઇ ગયા હતા. અને ભૂરીનું સીટી સ્કેન કરાવ્યું હતું. તેના આધારે જ સર્જરી કરવામાં આવી છે. અને તેની રીકવરી થઇ રહી છે. આ પ્રથમ કિસ્સો છે.
આ પણ વાંચો --- VADODARA : બાકી મિલકતવેરાની વસુલાત માટે પાલિકા રિકવરી મોડમાં