VADODARA : સહાયની વાટ જોતા પૂર પીડિતો જોડે મજાક, અધિકારીએ ક્રોસ વેરીફાય કરતા ભડકો
VADODARA : આજે વડોદરા (VADODARA) શહેરના પૂર્વ વિસ્તારની બાપોદ મામલતદાર કચેરીએ અધિકારીઓ તથા કોર્પોરેટર અને પૂર પીડિતો વચ્ચે શાબ્દિક ઘર્ષણની ઘટના સામે આવવા પામી છે. ત્રણ ત્રણ વખત વિસ્તારમાં પાણી ભરાયા બાદ પણ સરકારી સહાય માટે નાગરિકોને વલખા મારવા પડતા લોકોનો પારો સાતમાં આસમાને છે. આ તકે ભાજપના કોર્પોરેટરે અધિકારીને લોકોની સમસ્ચા વિગતવાર સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. તો બીજી તરફ સ્થાનિકોના આરોપ અનુસાર, અધિકારી દ્વારા ભાડે મકાન લેવાનું જણાવીને ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ ના પાડતા તેઓ પાણી નહીં ભરાયાનું રટણ કરી રહ્યા છે.
હાલ 50 જેટલા લોકો કામગીરી હાલ કરી રહ્યા છે
આજના ઘટનાક્રમ અંગે જિલ્લા કલેક્ટરાલયના અધિકારી બિજલ મહેતાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું જે વિસ્તારમાં ગઇ છું. ત્યાં સ્થાનિક લોકોએ મને ના પાડી હતી. જેથી મેં મારી ટીમને કહ્યું કે, સ્થળ પર જઇને, ખાતરી કરીને સરકારના નિયમ મુજબ ચુકાદો કરવો. તેવું મેં મારા ટીમ મેમ્બર્સને કહ્યું છે. હાલ 50 જેટલા લોકો કામગીરી હાલ કરી રહ્યા છે. વચ્ચે દખલગીરી કરવાના કારણે થોડુંક મોડું થઇ રહ્યું છે. અમને લિસ્ટ આપશે, તે પ્રમાણે કામ કરશે. એક વ્યક્તિ ઘરે જાય અને ફોર્મ ભરે તો સમય જાય. અમારી પાસે ટીમ મેમ્બર્સ ઓછા છે. આખા પૂર્વ વિસ્તારની ટીમો આજે આ વિસ્તારમાં કામ કરી રહી છે.
મારે ભાડે ઘર લેવું છે
સ્થાનિકોએ મીડિયા સમક્ષ આરોપ મુકતા જણાવ્યું કે, તેમણે ઇમાનદારીથી સર્વે કર્યો નથી. તેમણે સ્થળ પર જઇને તેવું પુછ્યું કે, મારે ભાડે ઘર લેવું છે, અને બાદમાં પુછ્યું કે, શું આ વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ સવાલનો જવાબ કોઇ ભાડુઆત આવતો હોય તેનો લોકો ના જ આપે. તેઓ બોલ્યા હતા કે, બાપોદ વિસ્તારમાં મેં સર્વે કર્યો છે. ત્યાં પાણી ભરાયું નથી.
લોકો ત્રણ વખત લોકો પાણી ભરાવવાથી મજબુર બન્યા છે
ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ અધિકારી જોડે સંવાદ કરતા કહ્યું કે, મને મામલતદાર શૈલેષભાઇ દેસાઇનો ફોન હતો કે, સર્વે માટે ટીમને રવાના કરી છે. અમને ખરેખર કહ્યું હતું કે, વોર્ડ નં - 15 માં ટીમો ઉતારી છે. મારે કાલે ધારાસભ્ય મનીષા બેનને મેસેજ કરવો પડ્યો ત્યારે આજે ટીમ આવી છે. એક મહિના અને દસ દિવસ બાદ આપણે શું આપી રહ્યા છો. આ લોકોનો આક્રોષ છે. આપણે આપી આપીને રૂ. 5 હજાર આપી રહ્યા છે. કોઇને તમારી (અધિકારી) જોડે પર્સનલ કશું નથી. ત્રણ વખત પાણી આવ્યું છે. અધિકારીને પગાર મળવાનો છે. અમને પ્રજાનો આક્રોષ મળી રહ્યો છે. અહિંયાની ભૌગોલિક પરિસ્થિતી વાડકી જેવી છે. તમે કેટલી ફાસ્ટ કામગીરી કરો છો તે જોવાનું છે. તમે કહો તો અમે આઠેય કાઉન્સિલર તમને લખીને આપીએ છીએ. તમે ક્રોસ વેરીફીકેશન કરવાનું બંધ કરો. લોકો ત્રણ વખત લોકો પાણી ભરાવવાથી મજબુર બન્યા છે. અહિંયા ત્રણ વખત પાણી હતું. વોર્ડ - 5 અને 15 માં બધેય પાણી હતું.
આ રીતે તેઓ વોર્ડ નં - 5 અને 15 માં પહોંચી વળે તેમ નથી
વધુમાં તેમણે જણાવ્યું કે, બાપોદ સ્લમ ક્વાટર્સ, ગામ, લખ્યા નથી. તેનો ઉલ્લેખ કરવો. આપણે એડમિનિસ્ટ્રેશનને કરવી પડે. આપણે આપણા ધારાસભ્યને કહેવું પડે કે, તમે વધારે માણસ મોકલો. મામલતદારે મને કહ્યું કે, મેં તમારા 15 નંબરમાં પૂર્વની બધી જ ટીમો ઉતારી દેવામાં આવી છે. કામગીરી કરાવી લો. મારી પાસે માણસો નથી. આ રીતે તેઓ વોર્ડ નં - 5 અને 15 માં પહોંચી વળે તેમ નથી. જે ઘર રહી ગયું છે, તે લોકોને કાઉન્સિલર-ધારાસભ્યનો સિક્કો મારીને આપે, તેને સ્પેશિયલ કેસમાં માન્ય રાખે. આપણે અંગેનો રસ્તો કાઢવો પડશે.
અધિકારીઓ પાણી ભરાવવા અંગે કાઉન્સિલર અને ધારાસભ્યને સિક્કો માન્ય રાખે
તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગઇ કાલે અમારે ગંભીરતાથી પ્રદેશ અને શહેર ભાજપ પ્રમુખ, અને ધારાસભ્યને રજુઆત કરવી પડી. 10 દિવસ થયા છતાં પણ અમારા વિસ્તારમાં સર્વે શરૂ કરવામાં આવ્યો નથી. ત્યારે આજે મામલતદારે સર્વે શરૂ કરાવ્યો છે. એક મહિનો અને દસ દિવસ થયા બાદ રજાના દિવસે સર્વે થયો છે. કોઇ અધિકારી દ્વારા ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યુ. હું કલેક્ટરને કહેવા માંગુ છું કે, વોર્ડ નં - 4, 5, અને 15 આ તમામમાં 24 જુલાઇ, 26 ઓગષ્ટ અને 29 સપ્ટેમ્બરના રોજ પાણી ભરાયું છે. કોઇ પણ સર્વે કરવામાં ના આવે. ફક્ત અને ફક્ત ફોર્મ ભરીને સહાય ચુકવે તેવી રજુઆત કરવા માંગુ છું. 2 હજાર ઘરની સોસાયટીમાં ફરવું હોય તો 10 દિવસ લાગે, સ્ટાફની પૂરતી વ્યવસ્થા ના હોવાના કારણે ઘર્ષણ સર્જાઇ રહ્યા છે. કલેક્ટર વધુ સ્ટાફ ફાળવે તો લોકોને યોગ્ય સહાયતા મળે. અધિકારીઓ પાણી ભરાવવા અંગે કાઉન્સિલર અને ધારાસભ્યને સિક્કો માન્ય રાખે, તો આવી પરિસ્થિતી ના સર્જાય. અધિકારીએ પોતાની ફરજ નિભાવવી જોઇએ. કોઇ પણ કાઉન્સિલર પોતાના માટે નથી આવ્યો, માણસને જરૂર હોય ત્યારે તેમને સહાય આપો, સમય વિતતા મોડું ના થઇ જાય.
આ પણ વાંચો -- VADODARA : ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને શાસકોને જગાડવાનો પ્રયાસ