VADODARA : GPS શાળા દ્વારા શિયાળું જેકેટ વેચવાનું શરૂ, સંચાલકોને સિઝનલ વેપારમાં રસ પડ્યો..!
VADODARA : શાળાઓ દ્વારા મસમોટી ફી, એક્ટીવીટી ચાર્જીસ વગેરેના નામે વાલીઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવે છે. ત્યારે હવે શાળા દ્વારા શિયાળાને ધ્યાને રાખીને સ્વેટર-જેકેટ વેચવાનું શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા (VADODARA) ની ગુજરાત પબ્લીક સ્કુલ, અટલાદરા (GUJARAT PUBLIC SCHOOL - ATLADARA, VADODARA) દ્વારા વાલીઓને એક સંદેશ મોકલવામાં આવ્યા છે. જેમાં શાળા દ્વારા માન્ય રાખવામાં આવેલા શિયાળુ જેકેટના વેચાણની માહિતી આપવામાં આવી છે. આ કાર્ય વાલીઓની સગવડતા ખાતર શાળા કરી રહી હોવાનો ઉલ્લેખ સંદેશમાં છે. વડોદરા પેરેન્ટ્સ એસો. દ્વારા આ મામલો સપાટી પર લાવવામાં આવ્યો છે. જો કે, અમદાવાદ ડીઇઓ દ્વારા કોઇ પણ શાળા સ્વેટર અંગે ફરજ પાડી શકે નહીં તેવો પરિપત્ર પાઠવતા ત્યાં આ બધુ બંધ છે. પરંતુ વડોદરાના ડીઇઓ દ્વારા એવી કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા શાળા સંચાલકો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. અને સંચાલકો હવે સિઝનલ વેપારમાં આવી ગયા હોવાનો લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.
શાળાના યુનિફોર્મમાં એકસુત્રતા જાળવવા માટે ખાસ તૈયારી કરવામાં આવી
તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર દ્વારા દરેક સ્કૂલોને એવી સૂચના આપવામાં આવી છે કે, શિયાળામાં ઠંડીના કારણે વિદ્યાર્થી પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવાના રહેશે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પર દબાણ કરીને ફરજિયાત અમુક ચોક્કસ રંગ કે પ્રકારના જ ગરમ કપડાં પહેરી લાવવા તેવો આગ્રહ ન કરવા તાકીદ કરવામાં આવી છે. તેની સામે વડોદરા ડીઇઓ દ્વારા તે અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા હવે શાળા સંચાલકો બેફામ બન્યા છે. વડોદરાની ગુજરાત પબ્લીક સ્કુલ - અટલાદરા દ્વારા ગતરોજ વાલીઓ માટે એક સંદેશ મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, શિયાળો આવી રહ્યો છે. શાળાના યુનિફોર્મમાં એકસુત્રતા જાળવવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. વાલીઓની સુગમતા ખાતર શાળા દ્વારા માન્ય શિયાળું જેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વાલીઓએ શાળા દ્વારા માન્ય રાખવામાં આવેલા જેકેટ્સ ખરીદવા જોઇએ. લિમિટેડ સ્ટોક હોવાથી જલ્દી ખરીદી પૂર્ણ કરી લેવા વાલીઓને તાકીદ કરવામાં આવી છે.
..........તો શાળા સંચાલકોને ફાવતું મળશે
આ મામલો વડોદરા પેરેન્ટ્સ એસો. દ્વારા સપાટી પર લાવવામાં આવ્યો છે. શાળા સંચાલકો કમાઇ લેવાના ચક્કરમાં શિક્ષણ સાથે અન્ય સિઝનલ વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ વડોદરા જિલ્લાના ડીઇઓ દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. જો પગલાં લેવામાં હજી પણ વાર થશે, તો શાળા સંચાલકોને ફાવતું મળશે, આ પરિસ્થિતી નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો -- VADODARA : જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં અટકચાળા બાદ ધાબા પોઇન્ટ પર તૈનાતી


