VADODARA : હેવી વિજ લાઇનના થાંભલે ચઢી જીવના જોખમે હોર્ડિંગ્સ માટે મહેનત
VADODARA : વડોદરા (VADODARA) માં હોર્ડિંગ્સ માફીયાઓ વધુ એક વખત બેફામ બન્યા હોવાની ઘટના સામે આવવા પામી છે. શહેરના સરદાર એસ્ટેટ અને વાઘોડિયા ચોકડી તરફ જતા રસ્તા પર 66 કેવીની હાઇટેન્શન વિજ લાઇનના થાંભલા ફરતે હોર્ડિંગ્સ માફીયાઓ દ્વારા હોર્ડિંગ્સ મારવામાં આવ્યા છે. એક જગ્યાએ તો કંપનીનો કર્મચારી હોર્ડિંગ લઇને થાંભલા પર ચઢ્યો છે. અને તેને લગાડવા માટેની ગોઠવણ કરી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા સર્કલમાં ભારે ધૂમ મચાવી રહ્યો છે. હવે વિજ કંપનીનું તંત્ર આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
તેની ઓળખ પર ઝાંખપ લગાવી દે છે
વડોદરાને કલા નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેની ઓળખ પર ઝાંખપ લગાવતા હોર્ડિંગ્સ માફીયાઓની કરતુત અવાર નવાર સામે આવતી હોય છે. શહેરમાં કલાના સ્થાપિત બેનમુન નજરાણાની આસપાસ હોર્ડિંગ્સ મારી દેવામાંં આવે છે. જે તેની ઓળખ પર ઝાંખપ લગાવી દે છે. કેટલાક કિસ્સાઓમાં તો એટલા બધા હોર્ડિંગ્સ મારી દેવામાં આવે છે કે, તેની ઓથે પાછળની વસ્તુ જ ઢંકાઇ જાય.
થાંભલા પર ચઢીને હોર્ડિંગ્સ ગોઠવવા માટે મહેનત
હવે હોર્ડિંગ્સ માફીયાઓની હિંમત ઓર ખુલી હોય તેમ લાગી રહ્યું છે. હાઇ ટેન્શન વિજ લાઇનના થાંભલાના ફરતે હવે તેઓ બેખોફ બનીને હોર્ડિંગ્સ મારી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં પોતોના જીવનું જોખમ લઇને કર્મચારી હાઇટેન્શન વિજ લાઇનના થાંભલા પર ચઢીને હોર્ડિંગ્સ ગોઠવવા માટે મહેનત કરી રહ્યો છે. તેણે કોઇ પણ પ્રકારના સેફ્ટીના સાધનો પહેર્યા હોવાનું વાયરલ વીડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી.
હોર્ડિંગ્સ માફીયાઓને પોતાના જ કર્મચારીના જીવની નથી પડી
આ વીડિયોમાં જોવા મળતી જગ્યાઓ સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા અને ત્યાંથી વાઘોડિયા ચોકડી તરફ઼ જતી હાઈ ટેન્શન લાઇન હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ ઘટના પરથી હોર્ડિંગ્સ માફીયાઓને પોતાના જ કર્મચારીઓનો જીવ વ્હાલો ના હોવાનો મત લોકો સોશિયલ મીડિયામાં વ્યક્ત કરતા નજરે પડ્યા છે. આ વીડિયો સપાટી પર આવ્યા બાદ હવે વિજ કંપની તથા પાલિકાનું તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : વરસાદ સાથે તેજ ગતિથી ફૂંકાયેલા પવનમાં ખુરશીઓ ફંગોળાઇ, અનેક ઝાડ પડ્યા