VADODARA : હાઇ-વેને સમાંતર કાંસનું નિર્માણ જારી, પાણી ભરાવવાથી મળશે મુક્તિ
VADODARA : વડોદરા (VADODARA) માં હાઇવે પરથી વરસાદનું પાણી શહેરમાં પ્રવેશવાના કારણે જલ્દી નીચાણવાળા વિસ્તારો તરબતર થઇ જાય છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાલિકા (VADODARA - VMC) તંત્ર દ્વારા હાઇવેને સમાંતર કાંસ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાના અધિકારી સુરેશ તુવેર દ્વારા સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે હાઇવે ઓથોરીટીના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા.
વિશ્વમિત્રી નદીમાં 50 જેટલા લોકેશન પર રેમ્પ બનાવવાનું કાર્ય જારી
વડોદરામાં વર્ષ 2024 ના માનવસર્જિત પુર બાદ તંત્ર સફાળું જાગ્યું છે. પૂર બાદ તેના નિવારણ માટે હાઇ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા બનાવાયેલો પ્રોજેક્ટ મુખ્યમંત્રી સમક્ષ રજુ કરીને તેની સૈદ્ધાંતિક મંજુરી મેળવવામાં આવી હતી. ત્યાર બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિશ્વમિત્રી નદીમાં 50 જેટલા લોકેશન પર રેમ્પ બનાવવાનું કાર્ય જારી છે. ટુંક સમયમાં મશીનો ઉતારીને નદીને ઉંડી અને પહોળી કરવામાં આવશે. આ સાથે જ હાઇવેથી પ્રવેશતા પાણી અટકાવવા માટે સમાંતર કાંસ બનાવવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે.
પાલિકા અને હાઇવે ઓથોરીટી દ્વારા આ કામ કરવામાં આવનાર છે
પાલિકા અધિકારી સુરેશ તુવેરએ જણાવ્યું કે, ચોમાસાની રૂતુમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં પાણી પ્રવેશે છે. અને શહેરવાસીઓને મુશ્કેલી સર્જાય છે.તે માટે હાઇવેને સમાંતર કાંસનું નિર્માણ ચાલી રહ્યું છે. વડોદરા પાલિકા અને હાઇવે ઓથોરીટી દ્વારા આ કામ કરવામાં આવનાર છે. આ કાંસને ઉંડી-પહોળી કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. દરજીપુરા ગામથી દેણાં ચોકડી તરફ વિશ્વામિત્રી નદીમાં અને દરજીપુરા ગામથી દક્ષિણ ઝોન તરફની કાંસને ઉંડી-પહોળી કરવાનું કામ ચાલું છે. પુર બાદ અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. 5 * 3 મીટરના દાયરામાં કાંસ બનાવવાનું આયોજન છે. બહારથી શહેરમાં પ્રવેશતું પાણી સીધું જ બહાર નીકળી જાય તેવો અમારો ઉદ્દેશ્ય છે.
આ પણ વાંચો -- VADODARA : પાણીની ટાંકીમાંથી ક્લોરીન લિકેજ અટકાવશે એબ્ઝોર્પશન સિસ્ટમ