VADODARA : ઐતિહાસીક માંડવી ગેટને બચાવવા પાલિકામાં 'તપ' શરૂ કરવાની ચિમકી
- માંડવી ગેટને બચાવવા માટે મહંતનુ તપ 50 દિવસ બાદ પણ જારી
- સત્તાધીશો દ્વારા નક્કર કામગીરી નહીં કરવામાં આવતી હોવાનો આરોપ
- માંડવી ગેટ પર પડેલી તિરાડો મોટી થતા ચોમાસામાં નુકશાન થવાની ભીતિ
VADODARA : વડોદરાના ઐતિહાસીક માંડવી ગેટના પોપડા ખરી રહ્યા છે. આ ગેટની દુર્દશા અંગે ખુદ મહારાણી રાધિકારાજેએ એક્સપર્ટને સાથે રાખીને મુલાકાત લીધી હતી. હાલની સ્થિતીએ આ ગેટમાં મોટા લોખંડના ગર્ડર ઉભા કરીને ટેકો આપવામાં આવી રહ્યો છે. ગેટના પોપડા ખરવાનું શરૂ થયા બાદ મહંત હરિઓમ વ્યાસ દ્વારા ખુલ્લા પગે તપ શરૂ કરવામાં આવ્યું હતું. આજે આ તપને 50 દિવસ પૂર્ણ થઇ ગયા છે. છતાં માંડવી ગેટના રિસ્ટોરેશન માટે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે મહંતે પાલિકામાં જઇને આ તપ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ભૂંસાઇ જાય તેવી સ્થિતી પણ નકારી શકાય તેમ નથી
વડોદરા પાસે ઐતિહાસીક ધરોહરનો ખજાનો છે. ગાયકવાડી સાશન દરમિયાન તૈયાર કરાયેલા માળખા આજે પણ અભ્યાસુ લોકોએ આકર્ષે છે. પરંતુ હાલની સ્થિતીએ આ ઐતિહાસીક વારસાની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના ઐતિહાસીક માંડવી ગેટના પોપડા ખરી રહ્યા છે. જો આવું જ રહ્યું તો એક સમયે માંડવી ગેટ ભૂંસાઇ જાય તેવી સ્થિતી પણ નકારી શકાય તેમ નથી. આ અંગે વિઠ્ઠલનાથજી મંદિરના મહંત દ્વારા આજથી 50 દિવસ પહેલા ખુલ્લા પગે માંડવી ગેટ નીચે બેસવાનું તપ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંસદ, મ્યુનિ કમિ, રાજમાતા સહિતના અનેક લોકો દ્વારા માંડવી ગેટની મુલાકાત લેવામાં આવી છે. પરંતુ તેને બચાવવા માટે કોઇ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.
પિલ્લરનું કામ પૂરાતત્વ વિભાગ દ્વારા ક્યારે શરૂ કરાશે ?
સુત્રોના જણાવ્યા અનુસાર, માંડવી ગેટ નીચે સપોર્ટમાં લોખંડના મોટા ગર્ડરો મુકવામાં આવ્યા છે. હાલ તેનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. આ ગર્ડર કેટલો સમય માળખાને સાચવી શકશે, તે અંગે અનેક સવાલો છે. સમગ્ર મામલે મહંત હરિઓમ વ્યાસે મીડિયાને જણાવ્યું કે, મારા તપે 50 દિવસ પૂર્ણ કર્યા છે. આ તપ કરવાનું મુખ્ય કારણ વડોદરાના ઐતિહાસીક વારસાનું રિસ્ટોરેશન થાય, તેની જાળવણી થાય. છેલ્લા 50 દિવસથી મારા તપમાં હું જોઉં તો, પાલિકા દ્વારા ખાલીને ખાલી વાયદા કરવામાં આવ્યા હોય તેમ લાગે છે. કારણકે જો આ કામ પૂરાતત્વ વિભાગ દ્વારા કરવાનું હોય તો આજદિન સુધી પૂરાતત્વ વિભાગ દ્વારા કોઇ કામ કરવામાં આવ્યું નથી. ખાનગી એજન્સી દ્વારા ગડરો લગાડવામાં આવ્યા છે. ગડરો પણ કાયમી હોય તે રીતે મુકવામાં આવી રહ્યા છે. તેનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. જે પિલ્લર તુટ્યું છે, તેનું કામ પૂરાતત્વ વિભાગ દ્વારા ક્યારે શરૂ કરાશે ?, ચોમાસું નજીક છે, ત્યારે કોઇ કામ થયું નથી તે દેખાઇ રહ્યું છે. માંડવી ગેટ પર પડેલી તિરાડો પણ મોટી થઇ રહી છે, ચોમાસામાં આ તિરાડોમાંથી પાણી પડવાની શક્યતા છે. જો જલ્દી કામ શરૂ નહીં થયું તો અમે પાલિકામાં જઇશું.
આ પણ વાંચો --- VADODARA : હરણીમાં મોટા ભાગની સોસાયટીમાં લાઇટો ગુલ, વગર વરસાદે પુરવઠો ખોટકાયો