VADODARA : રક્ષિતકાંડમાં કારના ડેટા મેળવવા કંપનીની મદદ લેવાઇ
VADODARA : વડોદરાના ચકચારી રક્ષિતકાંડમાં કારના ડેટા લેવા માટે વડોદરા પોલીસે મ્યુફેક્ચર કંપની વોક્સ વેગનની મદદ લીધી હોવાનું સપાટી પર આવ્યું છે. કંપનીએ કારનો લોગો કાઢીને કારને પરત પોલીસ સ્ટેશન મોકલી દીધી છે. મેન્યુફેક્ચરીંગ એનાલિસિસ કર્યા બાદ કંપની રિપોર્ટ આપશે, તેવું સુત્રોએ જણાવ્યું છે. આ સાથે જ પોલીસે ઘટનાના વધુ ચાર પ્રત્યદર્શી લોકોના નિવેદન લીધા છે. કંપનીની તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
અધિકારીઓ કોઇ અભિપ્રાય આપી શક્યા ન્હતા
વડોદરામાં હોલીકા દહનની રાત્રે કારેલીબાગમાં રક્ષિતકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. અને અન્ય 7 લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ ઘટનામાં કારને અભિપ્રાય અર્થે આરટીઓ કચેરી લઇ જવામાં આવી હતી. જ્યાં કારની હાલત જોઇને અધિકારીઓ કોઇ અભિપ્રાય આપી શક્યા ન્હતા. આખરે આ કારનો ડેટા મેળવવા માટે પોલીસે કાર બનાવતી કંપનીની મદદ લીધી હતી. તાજેતરમાં કંપનીના ત્રણ સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા. જેમણે ડેટા એકત્ર કરીને જર્મની મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોપી રક્ષિતના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરી દેવામાં આવ્યો
આ કાર રક્ષિત ચલાવતો હતો તે બાબત સ્પષ્ટ છે. કારના ડેટાના એનાલિસિસ બાદ અકસ્માતના સમયે કારની સ્પીડ, એર બેગ ક્યારે ખુલી તે સહિતના અનેક સવાલોના જવાબો પોલીસને મળે તેવી આશા છે. આ સાથે જ પોલીસે આ ઘટનાના વધુ ચાર પ્રત્યદર્શીઓના નિવેદન લીધા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનાના આરોપી રક્ષિત ચૌરસિયાના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. તેને સેમી હાઇ સિક્યોરીટી સેલની બેરેકમાં રાખવામાં આવ્યો છે. જ્યાં 24 કલાક સીસીટીવી થકી તેના પર નજર રાખવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ઉધારીમાં દારૂ પીતા આધેડની ધૂલાઇ