VADODARA : નશામાં ધૂત નબીરાની કારના અકસ્માત મામલે ત્રણ ફરિયાદ નોંધાઇ
- ગોત્રીમાં સવાર સવારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી
- સ્થાનિકોએ બે આરોપીને પકડી પાડી ધૂલાઇ કરી
- બંને વિરૂદ્ધ અલગ અલગ કલમો હેઠળ ત્રણ ગુના નોંધાયા
VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગત સવારે નશામાં ધૂત નબીરાની કારે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ત્રણ વાહનો અડફેટે આવ્યા હતા. જેમાં ત્રણને ઇજાઓ પહોંચી છે. આ મામલે લોકોએ નબીરા અને તેના મિત્રની ધુલાઇ કરીને તેને પોલીસને સોંપ્યા છે. જે બાદ પોલીસે આરોપી વિજય શિશપાલ કુમાવત અને વ્રજ નરેન્દ્રભાઇ બારોટ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જે અતંર્ગત બંને સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, દારૂનું પઝેશન અને અકસ્માત મળીને ત્રણ ગુના નોંધાયા છે.
ઘટના સમયે કારમાંથી બિયરના ટીન મળી આવ્યા
ગતરોજ સવારે 9 - 30 વાગ્યાના આરસામાં ગોત્રી ઇએસઆઇ રોડ પર એસબીઆઇ બેંક સામે નબીરાની કારે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત નબીરાએ એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં સ્થાનિકોએ આરોપી વિજય શિશપાલ કુમાવત અને વ્રજ નરેન્દ્રભાઇ બારોટની અટકાયત કરીને ધૂલાઇ કરી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી, અને બંનેની ધરપકડ કરી હતી. આ ઘટના સમયે કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.
કારની સ્પીડ 50 કિમી-પ્રતિ કલાકની હોવાનું જણાયું
સમગ્ર મામલે બંને આરોપીઓ વિરૂદ્ધ ગોત્રી પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, દારૂનું પઝેશન અને અકસ્માત મળીને ત્રણ ગુના નોંધ્યા છે. આરોપીઓની કારે પ્રથમ રીક્ષા, ત્યાર બાદ કાર અને એક્ટીવાના અડફેટે લીધી હતા. તે સમયે કારની સ્પીડ 50 કિમી-પ્રતિ કલાકની હોવાનું જણાયું હતું. બંને આરોપીઓ ગોત્રી યોગેશ્વર સોસાયટીમાં પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, પાંચ દિવસ પહેલા છાણી બ્રિજ પર ઢીંચેલા પીએસઆઇએ અકસ્માત સર્જ્યો હતો. જે ઘટના બાદ તેને સસ્પેન્ડ કરીને તેના વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : ગાજરાવાડીમાં STP નું ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી છોડાતા નર્કાગાર