VADODARA : બે મહિલા ખાબક્યા બાદ ભૂવો વિસ્તર્યો, બુમાબુમ થતા લોકો દોડ્યા
- માંજલપુરમાં અચાનક ફૂટપાથ બેસી જતા બે મહિલાઓ ખાબકી
- વડોદરામાં કમોસમી વરસાદમાં પણ ભૂવો પડવાનું જારી
- બંને મહિલાઓનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યું
VADODARA : વડોદરા (VADODARA) માં હાલ કમોસમી વરસાદ (UNSEASONAL RAIN) નો માહોલ ચાલી રહ્યો છે. આ વચ્ચે તાજેતરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલા ખાબક્યા બાદ ભૂવો વિસ્તર્યો હતો. જેને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ભૂવો 10 ફૂટનો હતો, જે વિસ્તરણ પામીને 20 ફૂટનો થઇ ગયો હતો. આ ઘટનામાં બે મહિલાઓને નાની-મોટી ઇજા પહોંચી હતી.
ફૂટપાથ બેસી જતા બંને તેમાં ખાબક્યા
ગતરોજ વડોદરામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. આ વચ્ચે શહેરના માંજલપુર વિસ્તારમાં વૈકુંઠધામ સોસાયટી નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે બે મહિલાઓ શાકભાજી લેવા માટે ઘર નજીક નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ ફૂટપાથ પર ઉભા હતા, બાદમાં ફૂટપાથ બેસી જતા બંને તેમાં ખાબક્યા હતા. શરૂઆતમાં અંદાજીત 10 ફૂટ જેટલો લાગતો ભૂવો ધીરે ધીરે વિસ્તર્યો હતો, અને આશરે 20 ફૂટ જેટલો થઇ ગયો હતો.
આ જગ્યાએથી ગેસ લાઇન અને ખાનગી કંપનીના કેબલ પસાર થાય છે
ઘટનામાં ભારે બુમાબુમ થઇ ગઈ હતી. જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બંને મહિલાઓને હાથ વડે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં મહિલાઓને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર કેતન પટેલ અને ભારતીબેન ભદ્રેશરા પહોંચ્યા હતા. અને આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે તેમણે બેરીકેટીંગ કરાવ્યું હતું. સાથે જ આ ભૂવાનો પુરવા માટેની કામગીરી ત્વરિત થાય તેના પર જોર લગાવ્યું હતું. સુત્રોએ ઉમેર્યું કે, આ જગ્યાએથી ગેસ લાઇન અને ખાનગી કંપનીના કેબલ પસાર થાય છે.
આ પણ વાંચો --- VADODARA : વરસાદ બાદ 5360 ફરિયાદો આવી, 120 ટીમોએ વીજ પુરવઠો દુરસ્ત કર્યો


