VADODARA : રોકવા જતા ચાલકે કાર પોલીસ કર્મી પર ચઢાવી દીધી
VADODARA : વડોદરા (VADODARA) ના સમા તળાવ પાસે આવેલા અબેક્સ સર્કલ પર ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ટ્રાફિકનુ નિયમન કરવા માટે સર્કલ પાસે જવાનો હાજર રહે છે. આજે બપોરના સમયે કાર ચાલકને રોકવા જતા તેણે પોલીસ જવાન પર કાર ચઢાવવાનો પ્રયાસ કરીને અડફેટે (VADODARA - CAR ACCIDENT WITH TRAFFIC POLICE) લઇને તે નાસી છુટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત પોલીસ જવાનને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો હાથમાં ફ્રેક્ચરનું નિદાન થતા તેમને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને પગલે બેજવાબદાર વાહન ચાલક સામે કડક કાર્યવાહીની લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ બેજવાદાર ચાલક સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
અવર-જવર પર દેખરેખ રાખવા માટે ટ્રાફિક પોલીસ જવાનની તૈનાતી કરવામાં આવી
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, સમા તળાવ પાસે આવેલા અબેક્સ સર્કલ પર અવર-જવર માટે શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. અહિંયા બ્રિજ બનતો હોવાથી આ જાહેરનામું આવનારા બે મહિના સુધી લાગુ રહે તેવો અંદાજ છે. દરમિયાન અહિંયાની વાહનોની અવર-જવર પર દેખરેખ રાખવા માટે ટ્રાફિક પોલીસ જવાનની તૈનાતી કરવામાં આવી છે. આજે બપોરના સમયે એક કાર અચાનક તેની તરફનું સિગ્નલ ખુલ્યા વગર જ રોડ ક્રોસ કરીને જઇ રહી હતી. તે રૂટ પર તૈનાત પોલીસ જવાન અજિતસિંહ સોલંકી (ઉં. 56) ખોટી રીતે જતી કારને જોતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું
જેમાં કાર ચાલકે પોલીસ જવાન પર વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તે ટક્કર મારીને પોલીસ જવાનને નીચે પાડી દઇને જતો રહ્યો હોવાનું ઘટનાના સીસીટીવી પરથી જોવા મળી રહ્યું છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત પોલીસ જવાનની મદદ માટે અન્ય જવાનો પણ દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત જવાનને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને હાથના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું છે. અને તેમની સારવાર હાલ ચાલી રહી છે. આ ઘટનામાં પોલીસે આરોપી સામે ફરિયાદ નોધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : અકસ્માત સર્જનાર કાર ચાલકની નફ્ફટાઇ, કહ્યું, "મરી તો નથી ગયો ને..!"


