VADODARA : જાંબુઆ બ્રિજ પર બસ પલટી, "ઓવરટેક" ભારે પડ્યો
VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા જાંબુઆ બ્રિજ પર મુસાફરોને લઇને જતી ખાનગી લક્ઝરી બસને કારનો ઓવર ટેક નડ્યો હોવાની ઘટના સામે આવી છે. ઓવરટેક કરવા જતી કાર સામે આવતા ચાલકે લક્ઝરી બસ જોડે દુર્ઘટના રોકવા બચાવ કર્યો હતો. જે બાદ મુસાફરો ભરેલી લક્ઝરી બસ ફૂટપાથ પર ચઢી ગઇ હતી. અને ત્યાર બાદ પલટી ખાઇને રોડ પર પડી હતી. આ ઘટનામાં મુસાફરોનો નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું સપાટી પર આવ્યું છે. ઘટનાને પગલે રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પોલીસે સ્થળ પર પહોંચીને બાજી સંભાળી લીધી હતી. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ કાર ડમ્પરનો ઓવરટેક કરવા જઇ રહી હતી. તેવામાં આ ઘટના બની છે. આ બસ સુરતથી ભાવનગર જઇ રહી હતી. આ ઘટનામાં 9 મુસાફરોએ સારવાર મેળવી છે.
મુસાફરોને ત્વરિત બસમાંથી બહાર કાઢીને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા
વડોદરા પાસે આવેલા જાંબુઆ ઓવર બ્રિજ પરથી આજે સવાલે મુસાફરોને લઇને ખાનગી લક્ઝરી બસ સવાલે 9 - 30 કલાકે પસાર થઇ રહી હતી. દરમિયાન ઇકો કાર ચાલક દ્વારા ઓવરટેક કરવા જતા તે લક્ઝરી બસની સામે આવી હતી. જેથી લક્ઝરી બસ ચાલકે બચાવ કરવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બસ ફૂટપાથ પર જઇ ચઢી હતી. અને ત્યાર બાદ પલટી ગઇ હતી. જેમાં મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મુસાફરોને ત્વરિત બસમાંથી બહાર કાઢીને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોટું સાઇન બોર્ડ પણ ક્ષતિગ્રસ્ત થયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ક્રેઇન મારફતે બસને સીધી કરવામાં આવી
ઘટનાને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ક્રેઇન મારફતે બસને સીધી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે મુસાફરોના જીવ એક તબક્કે તાળવે ચોંટી ગયા હતા.
આ પણ વાંચો -- VADODARA : ટ્રકમાંથી RMC મટીરીયલ રોડ પર વેરાતા ચાલકોને મુશ્કેલી


