VADODARA : હાઇ-વે પર કન્ટેનર પલટી જતા કાર ચગદાઇ, મુસાફરોનો બચાવ
VADODARA : વડોદરા (VADODARA) ની કપુરાઇ ચોકડી (KAPURAI CHOKDI) પાસે ભયાનક એક્સીડન્ટ (TRAGIC ACCIDENT) ની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં કન્ટેનર પલટી ખાઇ જતા આખેઆખી કાર ચગદાઇ ગઇ હતી. સદ્નસીબે કારમાં બેઠેલા ચાર લોકોનો બચાવ થયો હતો. માત્ર ચાલકના હાથે જ સામાન્ય ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. કારની હાલત જોઇને કોઇ બચ્યું હશે, તેવો અંદાજો લગાજવો મુશ્કેલ હતો. પણ ચાલકે જણાવ્યું કે, તેમના દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યો તથા ભગવાનના આશિર્વાદના કારણે કોઇને ઇજા પહોંચી નથી. આ અકસ્માત ઓવરટેકના ચક્કરમાં થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
કન્ટેનરને ઉભુ કરવા માટે ક્રેઇન બોલાવવી પડી
વડોદરા પાસે આવેલા કપુરાઇ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કન્ટેનર પલટી ખાઇ જતા તેની નીચે કાર ચગદાઇ હતી. અકસ્માત સમયે કારમાં ચાર લોકો સવાર હતા. સદ્નસીબે કોઇ પણ જાનહાની થઇ ન્હતી. તમામને આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે પલટી ખાઇ ગયેલા કન્ટેનરને ઉભુ કરવા માટે ક્રેઇન બોલાવવી પડી હતી. ઘટનાને પગલે 5 કિમી જેટલો ટ્રાફીક જામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઘટનામાં મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા હતા.
ઓવરટેક કરવા જતા મેં કાર ધીરી કરી દીધી
કાર ચાલક સંદિપભાઇ પટેલે મીડિયાને જણાવ્યું કે, હું કાર ચલાવતો હતો. અમે સુરતથી કેશોદ જઇ રહ્યા હતા. મારી અને બાજુની કાર ચાલી રહી હતી. તેનો ઓવરટેક કરવા જતા મેં કાર ધીરી કરી દીધી હતી. અને તેણે પણ કાર ધીમી કરી દીધી હતી. એટલે ઇકો કાર જતી રહી હતી. અમે કાર ધીમી કરતા પાછળથી આવતા વાહનનું બેલેન્સ ખોરવાઇ ગયું હતું. જેથી તેણે અમને બચાવવા અથવા તો અન્ય કારણોસર કન્ટેનર ફેરવી લીધું હતું. જે ફરીને અમારી પર પડ્યું હતું.
કોઇ બચી શકે તેવો અમને પણ વિશ્વાસ નથી આવતો
વધુમાં તેમણે જણાવ્યું કે, ભગવાનની કૃપા રહી છે, કારની જે હાલત છે, તે જોતા કોઇ બચી જ ના શકે. પણ મને હાથમાં માત્ર નાની ઇજા પહોંચી છે. અમારા સત્કાર્યો અને સેવાકાર્યોનું આ પરિણામ છે. અમે આવતી કાલે યોજાનાર સેવાકાર્યમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. આ ઘટના સમયે કારમાં ચાર લોકો સવાર હતા. હાથને છોડીને અન્યને કોઇ પણ ઇજા થઇ નથી. બધાય બચી ગયા છે. આવી હાલતમાં કોઇ બચી શકે તેવો અમને પણ વિશ્વાસ નથી આવતો.
આ પણ વાંચો -- VADODARA : દબાણ હટાવવાની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 10 ની ધરપકડ