VADODARA : નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર 5 ઝબ્બે
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના કપુરાઇ પોલીસ મથક (KAPURAI POLICE STATION - VADODARA) માં નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવીને તોડ (BOGUS POLICE HONEY TRAP CASE - VADODARA) કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. તે બાદ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમો આરોપીઓને શોધવા માટે કામે લાગી હતી. આખરે મામલે સંડોવાયેલા એક મહિલા સહિત ચારને દબોચી લેવામાં આવ્યા છે. આરોપીઓ પૈકી એક સામે સુરતના બે પોલીસ મથકમાં હનીટ્રેપને લગતી ફરિયાદ નોંધાઇ ચુકી છે. અને તે વોન્ટેડ હતો.
પૈસા અને પહેરેલી વીંટી પડાવી લીધી
DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે, કપુરાઇ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં આણંદના જમીન દલાલ દ્વારા ફેસબુક મારફતે એક યુવતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેની પ્રોપર્ટી બતાવવા માટે તેઓ આ વિસ્તારમાં આવ્યા હતા. તેઓ પ્રોપર્ટી બતાવવા માટે ગાડીમાં લઇ જતા હતા. દરમિયાન ચાર માણસોએ તેમને રોક્યા હતા. અને પોલીસ વાળા, ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ, તેમ કહીને તેમની પાસેથી પૈસા અને પહેરેલી વીંટી પડાવી લીધી હતી. આ ઘટના અમારા ધ્યાને આવતા પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક સુરતના કતારગામ, અને સારોલી પોલીસ મથકમાં વોન્ટેડ છે.
અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છીએ
આ લોકોની એમઓ એ રીતની છે કે, તમે જે ધંધો કરતા હોય, તો તે માટેના કારણોથી તમને મળવા બોલાવે છે. અને જ્યારે કોઇ છોકરી મળવા આવે, અને બાદમાં તેઓ ટ્રેપ કરે છે. તેઓ જણાવે છે કે, તમારા વિરૂદ્ધ ગુનાઓ છે, તમને પોલીસ મથક લઇ જઇએ છીએ. આ રીતે પોલીસનો હાઉ ઉભો કરવામાં આવે છે. હાલમાં ડિજીટલ અરેસ્ટના ગુના વધી રહ્યા છે. તેવી જ રીતે આ લોકો પ્રત્યક્ષ રીતે હાજર રહીને જે કોઇ રકમ મળી શકે તે પડાવી લે છે. લોકોએ પોલીસથી ડરવાની જરૂર નથી. કંઇ પણ થાય તો તુરંત પોલીસનો સંપર્ક કરો. આ કેસમાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છીએ. અને તમારા વિરૂદ્ધ ગુનાઓ છે, તેમ કહીને ડરાવવામાં આવ્યા હતા. તેમણે નકલી પોલીસ હોવાનું ફરિયાદી સામે વર્ણવ્યું હતું. આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓના નામ-સરનામાં
ઉપરોક્ત કાર્યવાહીમાં કલ્પેશ દિલસુખભાઇ અગ્રાવત (રહે. જીલરીયા, પડધરી, રાજકોટ), વૈશાલી મૌલિકભાઇ પુરાજા (રહે. વરાછા, સુરત), અજય કિશોરભાઇ અગ્રાવત (ઉં. 31) (રહે. રાજકોટ શહેર), વિનોદ કિશોરભાઇ જાદવ (રહે. મુંજકા, રાજકોટ) અને માયાભાઇ ભગુભાઇ શેયડા (ઉં. 33) (રહે. વરાછા, સુરત) ની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : વરણામાં પોલીસે પકડાયેલા રૂ. 1.41 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફર્યું