VADODARA : 'કલાનગરીના લોકોને કલા પ્રત્યે આદર અને ઊંડી સમજ છે' - વેપારી
VADODARA : શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે ખાદી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે બિહારથી પ્રથમ વખત આ પ્રદર્શનમાં પોતાની કલાના પ્રદર્શન સહ વેચાણ માટે વડોદરા આવેલા મધુબની પેઈન્ટિંગના કલાકાર ક્રિષ્નકુમાર ઝા ના સ્ટોલની મુલાકાત અચૂક લેવા જેવી છે. (KHADI MAHOTSAV - 2025 - VADODARA)
મિથિલા ચિત્રકલા અને મધુબની પેઇન્ટિંગની વસ્તુઓ જોવા મળશે
કલાનિધિના નામથી રખાયેલા આ સ્ટોલમાં વિશ્વ પ્રસિદ્ધ મિથિલા ચિત્રકલા અને મધુબની કલાની ઝલક જોવા મળશે. હા આ એ જ કલા છે, જે કલાની ખાસ સાડીની ચર્ચા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, તે સમયે થઈ હતી. ક્રિષ્નકુમાર ઝાના સ્ટોલમાં વિશ્વ પ્રસિદ્ધ મિથિલા ચિત્રકલા અને મધુબની પેઇન્ટિંગની વિવિધ પ્રકારની વસ્તુઓ તમને જોવા મળશે.
અસલ વસ્તુઓ જોવા અને ખરીદવા મળશે
અહીં તમને પ્યોર સિલ્કની સાડી, દુપટ્ટા, ડ્રેસ, બેગ, અન્ય પરિધાનો, વેજિટેબલ કલરથી હાથેથી બનાવેલી મધુબની પેઈન્ટિંગ, મધુબની પેઈન્ટિંગની વિવિધ પ્રકારની અસલ વસ્તુઓ જોવા અને ખરીદવા મળશે. આપને જણાવી દઈએ કે, મધુબની ચિત્રકલા બિહાર અને નેપાળના કેટલાક વિસ્તારની પ્રમુખ ચિત્રકલા છે. રંગોળીના રૂપે શરૂ થયેલી આ કલા ધીરે ધીરે કાપડ, દિવાલ, કાગળ પર પહોંચી છે.
વધુ સમય સુધી અહીં સમય પસાર કરે છે
વડોદરાના મુલાકાતીઓની પ્રશંસા કરતા સ્ટોલધારક અને મધુબની કલાના કલાકાર ક્રિષ્નકુમાર ઝાએ જણાવ્યું કે, હું પ્રથમ વખત બિહારથી વડોદરા મારી કલાના પ્રદર્શન સહ વેચાણ માટે આવ્યો છું. તેમણે વધુમાં જણાવ્યું કે, કલાનગરી વડોદરાના લોકોને ખરેખર કલા પ્રત્યે આદર અને ઊંડી સમજ છે. જેના કારણે ગ્રાહકો તેમના સ્ટોલની મુલાકાત લે છે, ત્યારે વધુ સમય સુધી અહીં સમય પસાર કરે છે. આ સાથે જ તેમની વસ્તુઓના બમ્પર વેચાણ બદલ તેમણે વડોદરાવાસીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ આ ખાદી મહોત્સવના આયોજન બદલ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. (MADHUBANI ARTIST PRAISE CULTURAL CITY OF GUJARAT - VADODARA)
આ પણ વાંચો --- Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો