VADODARA : જાણીતા ગરબા આયોજકની મર્સિડીઝ કાર ડિટેઇન કરાતા લાલઘૂમ
VADODARA : વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ અને ગરબા આયોજક જયેશ ઠક્કર (VADODARA BUSINESSMAN JAYESH THAKKAR CAR DETAIN) ની લક્ઝૂરીયસ મર્સિડીઝ કારને ટ્રાફિક એસીપી દ્વારા સૂચના આપીને જમા કરાવી લેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનામાં જયેશ ઠક્કરે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ડેરીડેન પાસે તેમની કાર તેમને લેવા માટે આવી હતી. પાર્ક કરવામાં આવી ન્હતી. તેમણે આરોપ મુકતા જણાવ્યું કે, પોલીસ કોન્સ્ટેબલે તેમના ડ્રાઇવરને જણાવ્યું કે, સાહેબને રૂ. 50 હજાર આપી દો. તમારી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી આપીશું. જો કે, આ મામલો પોલીસ કમિશનર સુધી પહોંચતા જમા કરેલી કારને છોડી મુકવામાં આવી હતી.
કોન્સ્ટેબલે જણાવ્યું કે, તમારી કાર રસ્તાની વચ્ચે છે
જયેશ ઠક્કર ડેરીડેન સર્કલ પાસે આવેલી ગાલાવ ચેમ્બર્સમાં પોતાની ઓફિસ ધરાવે છે. તેઓના જણાવ્યા મુજબ, તેઓ પહેલા ઓફિસે આવે છે, અને ત્યાર બાદ ઓફિસથી તેમની કંપનીએ જાય છે. તાજેતરમાં તેમનો ડ્રાઇવર મર્સિડીઝ કાર લઇને ઓફિસે આવ્યો હતો. તેવામાં નજીકથી પસાર થતા ટ્રાફિક એસીપી ડી. એમ. વ્યાસની કાર રોકાઇ હતી. તેમાંથી એક કોન્સ્ટેબલે આવીને જયેશ ઠક્કરને કહ્યું કે, કાર જમા કરવાની છે. જેથી સામે જયેશ ઠક્કરે કારણ પુછતા કોન્સ્ટેબલે જણાવ્યું કે, તમારી કાર રસ્તાની વચ્ચે છે.
ડ્રાઇવરની બાજુની સીટ પર પોલીસ કોન્સ્ટેબલ બેસી ગયો
બાદમાં સવાલ જવાબ વધુ થતા કોન્સ્ટેબલે ઉદ્યોગપતિને જણાવ્યું કે, કારમાં અમારા સાહેબ છે. તેમને રજુઆત કરો. જેથી બાદમાં તેમણે એસીપીને જઇને કાર જમા કરાવવા અંગેનું કારણ પુછ્યું હતું. જેથી એસીપીએ કહ્યું કે, રસ્તાની વચ્ચે કાર ઉભી રાખી છે. તે કારણે જમા લેવાની છે. બાદમાં જયેશ ઠક્કરના ડ્રાઇવરની બાજુની સીટ પર પોલીસ કોન્સ્ટેબલ બેસી ગયો હતો. અને કાર જમા કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ જયેશ ઠક્કરે આરોપ મુકતા કહ્યું કે, પોલીસ કોન્સ્ટેબલે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી આપવા રૂ. 50 હજાર આપવા જણાવ્યું હતું. જો કે, જયેશ ઠક્કરના ચાલકે મેમો ભરપાઇ કરવાની તૈયારી દર્શાવી હતી. આખરે કાર જમા કરી લેવામાં આવી હતી.
ટ્રાફિક એસીપી ડી. એમ. વ્યાસે તમામ આરોપો ફગાવ્યા
બાદમાં જયેશ ઠક્કરના પરિચિત દ્વારા મામલે શહેર પોલીસ કમિશનરને જાણ કરવામાં આવતા કારને છોડી મુકવામાં આવી હતી. બીજી તરફ વડોદરા શહેર ટ્રાફિક એસીપી ડી. એમ. વ્યાસે તમામ આરોપો ફગાવ્યા હતા. અને ડ્રાઇવર આક્રમક રીતે પોલીસ જવાન જોડે વર્તતો હોવાનું જણાવ્યું હતું. આખરે ડ્રાઇરવે ઠપકો આપીને કાર છોડી મુકવામાં આવી હતી.
આ પણ વાંચો --- VADODARA : વાઘોડિયાની ખાનગી યુનિ.ની બસ કાંસમાં ખાબકી