VADODARA : કૃણાલ ચાર રસ્તા પાસે 150 પથારાના શેડ દુર કરાયા, 7 ની અટકાયત
- ગોત્રી વિસ્તારનું વિવાદીત દબાણ દુર કરાયું
- યુવતિની છેડતી બાદ મામલો ગરમાયો હતો
- પાલિકા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી સફળ રહી
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રીમાં કૃણાલ ચાર રસ્તા પાસે આવેલા વિવાદીત પથારાના શેડને દુર કરી દેવામાં આવ્યા છે. આ કૃણાલ ચાર રસ્તા પાસે યુવતિની છેડતીની ઘટના બાદ દબાણ હટાવવાની માંગ પ્રબળ બની હતી. આ અંગે ઉચ્ચ કક્ષાએ અનેક ફરિયાદો બાદ આખરે દબાણો દુર કરવામાં આવ્યા છે. આ દબાણ દુર કરતા સમયે પથારાધારકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, લોખંડી પોલીસ (VADODARA POLICE) બંદોબસ્ત હોવાના કારણે વિરોધકર્તાનું કશું ચાલ્યું ન્હતું. આખરે સાંજ થતા જ મોટાભાગના દબાણોનો સફાયો થઇ ગયો હતો.
બંદોબસ્તના કારણે વિરોધીઓનું કંઇ ચાલ્યું ન્હતું
વડોદરાના ગોત્રીમાં કૃણાલ ચાર રસ્તા પાસે પથારાવાળાઓનું માર્કેટ આવેલું હતું. અહિં આશરે 150 જેટલા પથારાવાળા શેડ બાંધીને સિધઝનલ ધંધો કરતા હતા. જો કે, તાજેતરમાં યુવતિની છેડતીની ઘટના સામે આવતા આ દબાણને દુર કરવાની માંગ ઉઠી હતી. જે દિવસે ને દિવસે પ્રબળ બનતી જતી હતી. આખરે તેને તોડવા માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો પહોંચી હતી. દબાણો દુર થાય તે પહેલા સ્થાનિકો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે દોડી આવ્યા હતા. જો કે, પોલીસના લોખંડી બંદોબસ્તના કારણે વિરોધીઓનું કંઇ ચાલ્યું ન્હતું.
4 કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો
એક તબક્કે દબાણો તોડવાનું મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે દરમિયાનગીરી કરતા સમજાવટથી દબાણો દુર કરવાનું જારી રાખ્યું હતું. આ કાર્યવાહીમાં 4 કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. કામગીરી સમયે વિરોધ કરતા 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આખરે મોટા ભાગના શેડ દુર કરવામાં સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક તબક્કે આ દબાણ દુર કરવા મામલે ભાજપમાં જ આંતરિક વિવાદ સર્જાયો હતો. જો કે, શહેર ભાજપ પ્રમુખ, અને ઉચ્ચ અધિકારીઓની મક્કમતાના કારણે આ કાર્ય સુપેરે પાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો --- Gujarati Top News : આજે 1 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?