VADODARA : અયોધ્યાના રામ મંદિરમાં હાઇટેક ચશ્મામાંથી તસ્વીરો લેતા યુવકની અટકાયત
VADODARA : અયોધ્યામાં બનાવેલું રામ મંદિર (AYODHYA - RAM MANDIR) વૈશ્વિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે તાજેતરમાં મૂળ વડોદરા (VADODARA) ના નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને હાલ વિદેશમાં સ્થાઇ થયેલો યુવક સ્વદેશ પરત આવતા રામ મંદિરે દર્શન કરવા ગયો હતો. દરમિયાન તે પોતે પહેરેલા હાઇટેક ચશ્મામાંથી તસ્વીરો (VADODARA MAN CLICKING IMAGES OF RAM MANDIR) લઇ રહ્યો હતો. આ વાતનું ધ્યાન મંદિરની સિક્યોરીટીમાં તૈનાત જવાનને થતા તુરંત તેની અટકાયત કરીને તેણે લીધેલી તસ્વીરોની તપાસ કરવામાં આવી હતી. બાદમાં વડોદરા પોલીસનો સંપર્ક કરીને તેના ભૂતકાળ વિશેની માહિતી મેળવવામાં આવી હતી. જો કે, કંઇ પણ વાંધાનકજ ના જણાતા તેને છોડી મુકવામાં આવ્યો હતો.
શંકા જતા જય કુમારને અટકાવીને પુછપરછ કરાઇ
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ વડોદરાના નિઝામપુરામાં રહેતો જય કુમાર નામનો યુવક અભ્યાસ અર્થે આશરે 9 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો. બાદમાં તે ત્યાં જ સ્થાઇ થયો હતો. હાલ તેના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તાજેતરમાં તે ભારત પરત આવ્યો હતો. અને દર્શનાર્થે અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરે ગયો હતો. મંદિરમાં તેણે પોતાના હાઇટેક ગોગલ્સમાંથી કેટલીક તસ્વીરો લીધી હતી. આ દરમિયાન ચશ્માના લેન્સમાં લાઇટ લબક-ઝબક થતા મંદિરની સિક્યોરીટીમાં તૈનાત જવાનને શંકા જતા તેણે જય કુમારને અટકાવીને તેની પુછપરછ કરી હતી. તેની પ્રાથમિક પુછપરછમાં તેણે પ્રતિબંધિત વિસ્તારની તસ્વીરો લીધી હોવાનું જાણવા મળતા આગળ સોંપવામાં આવ્યો હતો.
તસ્વીરો માત્ર યાદગીરી માટે લીધી
બાદમાં તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સાથે જ બીજી તરફ અયોધ્યાની સ્થાનિક પોલીસે વડોદરા પોલીસનો સંપર્ક કરીને યુવકના ઇતિહાસ અંગેની માહિતી મેળવી હતી. જો કે, કંઇ હાથ લાગ્યું ન્હતું. યુવકે આ તસ્વીરો માત્ર યાદગીરી માટે લીધી હોવાનું જણાવ્યું હતું. જેની ખાતરી થતા તેને છોડી મુકવામાં આવ્યો હતો.
વોઇસ કમાન્ડથી ઓપરેટેડ હોવાના કારણે અનેક દેશોમાં લોકપ્રિય
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, યુવકે પહેરેલા ચશ્મા ઇટાલિયન કંપની દ્વારા નિર્મિત છે. તેની અંદાજીત કિંમત રૂ. 40 હજાર આંકવામાં આવી રહી છે. આ કેમેરાના લેન્સ 12 મેગા પિક્સલ સુધીના ફોટો-વીડિયો લઇ શકે છે. અને તે વોઇસ કમાન્ડથી ઓપરેટેડ હોવાના કારણે અનેક દેશોમાં તે લોકપ્રિય છે. તો બીજી તરફ સુરક્ષાના કારણોસર કેટલાક દેશો દ્વારા તેને પ્રતિબંધિત પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- Ankleshwar પાસે કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા 3 ના ઘટના સ્થળે મોત